જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંદો આબેના ગોળી વાગવાથી મોતના સમાચારે દુનિયા ચોંકી ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમએ ટ્વીટ કર્યું કે તેમનો અને મારો ઘણા વર્ષોથી સંબંધ છે. હું તેમને ગુજરાતના સીએમ હતા ત્યારથી ઓળખું છું. પીએમએ પોતાના ટ્વિટમાં 9 જુલાઈના રોજ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
શુક્રવારે સવારે નારા શહેરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે શિન્ઝો આબેને એક વ્યક્તિએ પાછળથી ગોળી મારી હતી. હુમલામાં આબેને છાતીમાં બે ગોળી વાગી હતી. લગભગ 6 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ પણ ડોક્ટરો આબેને બચાવી શક્યા ન હતા. ત્યારબાદ તેમના મૃત્યુની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી હતી. આબેના આકસ્મિક નિધનથી વિશ્વ શોકમાં છે. પીએમ મોદીએ પણ આબે પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો અને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.
આવતીકાલે રાષ્ટ્રીય શોકનો દિવસ
પીએમ મોદીએ ટ્વીટ કરીને આવતીકાલે એટલે કે 9મી જુલાઈના રોજ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેના નિધન પર પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘શ્રી આબે સાથેનો મારો સંબંધ ઘણા વર્ષો જૂનો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળ દરમિયાન હું તેમને ઓળખતો હતો અને હું PM બન્યા પછી પણ અમારી મિત્રતા ચાલુ રહી. અર્થતંત્ર અને વૈશ્વિક બાબતો પર તેમની તીક્ષ્ણ આંતરદૃષ્ટિએ હંમેશા મારા પર ઊંડી છાપ છોડી છે.
પીએમ મોદીએ આગળ લખ્યું, ‘શ્રી આબેએ ભારત-જાપાન સંબંધોને વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના સ્તરે લાવવામાં મોટું યોગદાન આપ્યું છે. આજે સમગ્ર ભારત જાપાન સાથે શોક વ્યક્ત કરે છે અને અમે આ મુશ્કેલ સમયમાં અમારા જાપાની ભાઈ-બહેનોની સાથે ઊભા છીએ.
ઉલ્લેખનીય છે કે, 67 વર્ષીય શિન્ઝો આબે જાપાનના સૌથી લાંબા સમય સુધી પીએમ રહ્યા હતા. તેઓ 2006 થી 2007 અને ફરીથી 2012 થી 2020 સુધી પીએમ રહ્યા હતા. તેમના દાદા પણ જાપાનના વડાપ્રધાન હતા અને ત્યારબાદ તેમના પિતા જાપાનના વિદેશ મંત્રી હતા. બીજી તરફ પોલીસે આબે પર હુમલો કરનાર વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરી હતી. 41 વર્ષીય આરોપીની ઓળખ તેત્સુયા યામાગામી તરીકે થઈ હતી.