સૌરાષ્ટ્રમાં વર્ષ 2020થી અત્યાર સુધી બે કરોડ આલ્કોહોલિક સિરપની બોટલોનું વેચાણ થયુ
- આયુર્વેદ વિશે અજાણ આરોપી પ્રોડક્શનનો હવાલો સંભાળતો હતો
- બીયર અને વાઇન બનાવવામાં નિષ્ણાત લોકોને નોકરી પર રાખ્યા
- દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપી નિતેશ પાંડેનો ઝડપાયેલા રેકેટ અંગે ખુલાસો
રાજકોટ, 9 ડિસેમ્બર 2023: તાજેતરમાં નડિયાદના બિલોદરા અને બગડુ ગામમાં આયુર્વેદિક સિરપના લેબલ વાળી ઓલ્કોહોલ યુક્ત સિરપ પીવાથી 6 લોકોના મોત થયા હતાં. ત્યાર બાદ સફાળા જાગેલા તંત્રએ સમગ્ર રાજ્યમાં આ સિરપના વેચાણને અટકાવી દેવા તેનો જથ્થો જપ્ત કરવા માટે દરોડા પાડીને કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન સેલવાસમાંથી આલ્કોહોલિક હર્બલ સિરપની હેરાફેરીના મોટા રેકેટનો ખુલાસો થયો છે. જેમાં આરોપીઓએ 2020 થી માત્ર સૌરાષ્ટ્રમાં જ 45 કરોડની કિંમતની નશાકારક સિરપનું વેચાણ કર્યું હતું. દેવભૂમિ દ્વારકા પોલીસે ગયા અઠવાડિયે સિલ્વાસામાં એક ફેક્ટરી પર દરોડા પાડીને યોજનાબદ્ધ ચાલતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં અગાઉ 800 કરોડની બેંક ફ્રોડમાં જામીન પર રહેલા પૂર્વ ટેલિકોમ કંપનીના માલિક સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી ગુજરાતમાં બે કરોડની બોટલોની હેરાફેરી કરી હતી.
બીયર અને વાઇન બનાવવામાં નિષ્ણાત લોકોને નોકરી પર રાખ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડે એ જણાવ્યું હતું કે, સિરપ વેચનારાઓનો ક્યારેય હર્બલ સીરપ બનાવવાનો ઇરાદો નહોતો. માત્ર દારૂ બનાવીને તેને આયુર્વેદિક સિરપની આડમાં વેચતા હતા. તેમણે બીયર અને વાઇન બનાવવામાં નિષ્ણાત લોકોને નોકરી પર રાખ્યા હતા આ લોકો વ્હાઇટ કોલર્ડ બુટલેગરો છે.”સિરપની સામગ્રીમાં માલ્ટેડ જવની મહત્તમ માત્રા હતી અને બીયર જેવી કડવાશ આપવા માટે હોપ ફૂલના બીજના અર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આયુર્વેદ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે માલ્ટેડ જવનો ઉપયોગ આસવ અને અરિષ્ટ દવાઓ બનાવવામાં ક્યારેય થતો નથી. જપ્ત કરાયેલી બોટલો પર આયુર્વેદિક દવાઓના લેબલ હતા. ગુજરાતમાં આલ્કોહોલિક સિરપના વેચાણ માટે આ ટોળકીએ સિલવાસામાં હાર્બોગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની લિમિટેડ (HBG) નામની કંપનીની સ્થાપના કરી હતી. એક આરોપી કે જે આયુર્વેદ વિશે કશું જાણતો નથી તેને પ્રોડક્શનનો હવાલો સંભાળતો હતો.
45 કરોડની કિંમતની 2 કરોડ સિરપ-કમ-બિયરની બોટલો વેચી
દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ જણાવ્યું હતું કે, આ રેકેટ 2020 થી ચાલી રહ્યું હતું અને આરોપીઓએ અગાઉના નાણાકીય વર્ષમાં જ રૂપિયા 45 કરોડની કિંમતની લગભગ 2 કરોડ સિરપ-કમ-બિયરની બોટલો વેચી હતી.નિતેશ પાંડેએ જણાવ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલા લોકોમાં એક સુનિલ કક્કડનો પણ સમાવેશ થાય છે, જે શરબતનું ઉત્પાદન અને માર્કેટિંગ સંભાળતો હતો, જે મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં પાનની દુકાનોમાં રંગબેરંગી બોટલોમાં કાઉન્ટર પર વેચવામાં આવતો હતો. લોકો તે જાણીને તેને ખરીદતા હતા કે, તે તેમને બીયરની જેમ જ કિક આપે છે.
આ પણ વાંચોઃ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પડકાર ફેંક્યો, ઈસુદાન ગઢવીને કહ્યું લડવું હોય તો મેદાનમાં ઉતરો