ટોપ ન્યૂઝનેશનલ

ઝારખંડના કોંગ્રેસના સાંસદ ધીરજ સાહૂ પાસેથી ઝડપાયા 200 કરોડથી વધુની રોકડ

  • સાંસદના 10 ઠેકાણે આવકવેરાના દરોડા
  • ઝારખંડ, બંગાળ, ઓડિશામાં કાર્યવાહી
  • ત્રણ દિવસથી થઈ રહી છે કાર્યવાહી

કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂનાં 3 રાજ્ય ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળનાં 10 ઠેકાણે બુધવારે ચાલી રહેલી દરોડાની કાર્યવાહીમાં આવકવેરા વિભાગે 200 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે. ગુરુવારે પણ દરોડાની કાર્યવાહી અને નોટોની ગણતરી ચાલુ રહી હતી.

મળતી માહિતી મુજબ, આવકવેરા વિભાગે દારૂ બનાવનારી કંપની બલદેવ સાહૂ એન્ડ ગ્રૂપ ઑફ કંપનીઝના બોલાંગીર કાર્યાલયથી અંદાજે 30 કિમી દૂર સતપુડા કાર્યાલયમાંથી રોકડા રૂપિયા 200 કરોડ જપ્ત કર્યા હતા. ઝારખંડ, ઓડિશા, બંગાળમાં અત્યાર સુધીની સૌથી મોટી દરોડાની કાર્યવાહી છે. બલદેવ સાહૂ એન્ડ ગ્રુપ ઑફ કંપનીઝ પશ્ચિમ ઓરિસ્સામાં દારૂની સૌથી મોટી ઉત્પાદક અને વિક્રેતા કંપનીઓ પૈકીની એક છે. આવકવેરાની ટીમને કંપનીની સતપુડાસ્થિત કચેરીમાંથી રૂ.100, 200 અને 500ની નોટોથી ખીચોખીચ ભરેલી 9 તિજોરી મળી હતી. આવકવેરા વિભાગના કહેવા પ્રમાણે આ રકમ 200 કરોડ રૂપિયાથી વધુ પણ હોઈ શકે છે. જોકે હજી પણ નોટોની ગણતરી ચાલી રહી છે.

આ અંગે વધુમાં જાણવા મળ્યું હતું કે, આવકવેરા વિભાગે રૂપિયાને બૅન્ક સુધી લઈ જવા માટે 157 બેગ ખરીદવી પડી હતી. બેગ ખૂટી પડતાં રૂપિયા કોથળામાં ભરવા પડ્યા હતા. રૂપિયા ભરેલી બેગને ટ્રકમાં ભરીને બૅન્ક સુધી લવાયા હતા. સાહૂ ગ્રૂપમાં સાંસદના પરિવારજનો સામેલ બલદેવ સાહૂ એન્ડ ગ્રૂપ ઑફ કંપનીઝમાં સીધી રીતે રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ ઉપરાંત તેમના પરિવારના રાજકિશોર સાહૂ, સ્વરાજ સાહૂ અને પરિવારના અન્ય સભ્યો પણ સામેલ છે. ઓડિશાનો કારોબાર દીપક સાહૂ અને સંજય સાહૂ સંભાળે છે. દરોડા દરમિયાન આવકવેરા અધિકારીઓને પરિવારનો કોઈ સભ્ય મળ્યો નહોતો.

સાહૂ પરિવાર 40 વર્ષથી દેશી દારૂના વેપારમાં

ઉલ્લેખનીય છે કે, ધીરજ સાહૂના સંબંધીઓના નામે ઓડિશામાં દારૂનો મોટો વેપાર છે. બલદેવ સાહૂ એન્ડ ગ્રૂપ ઑફ કંપનીઝ મૂળ લોહરદગાની છે. આ કંપનીએ 40 વર્ષ પહેલાં ઓડિશામાં દેશી દારૂ બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. આ કંપની બૌદ્ધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ (બીડીપીએલ)ની ભાગીદારી ફર્મ છે. આ કંપનીની બલદેવ સાહૂ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ (ફ્લાય એશ બ્રિક્સ). ક્વૉલિટી બોટલર્સ પ્રાઇવેટ લિમિટેડ અને કિશોર પ્રસાદ વિજય પ્રસાદ બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ (આઇએમએફએલ બ્રાન્ડના વેચાણ અને રોકાણ) પણ છે.

Back to top button