અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

સોશિયલ મીડિયામાં આપઘાત કરતાં પહેલાં પોસ્ટ લખનારને સાયબર ક્રાઈમે કેવી રીતે બચાવ્યા?

અમદાવાદ, 8 ડિસેમ્બર 2023: ગુજરાતમાં આપઘાતના કિસ્સા વધી રહ્યાં છે. પારિવારિક ત્રાસ, ઘરકંકાસ અને બેરોજગારીથી કંટાળીને મહિલાઓ અથવા તો પુરૂષો પોતાનું જીવન ટુંકાવતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ખાસ કરીને પ્રેમ સંબંધ અને બેરોજગારીથી કંટાળીને યુવાનોમાં આપઘાતના કિસ્સા વધુ પ્રમાણમાં બની રહ્યાં છે. ત્યારે સીઆઈડી ક્રાઈમના સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપઘાત કર્યા પહેલાં વીડિયો કે પોસ્ટ અપલોડ કરનાર વ્યક્તિઓના જીવ બચાવવા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ચાર વ્યક્તિઓના જીવ બચાવ્યાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના સોશીયલ મીડીયા પ્લેટફોમ પર આત્મહત્યા કરવા બાબતેની સ્ટોરી કે પોસ્ટ મુકનાર વ્યક્તિઓનો ડેટા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના સોશીયલ મીડીયા પ્લેટફોર્મ તરફથી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના એન્ટી બુલિંગ યુનિટને ઈમેઈલથી મોકલી આપવામાં આવે છે. જે ઇનપુટ આધારે એન્ટી બુલીંગ યુનિટ(ABU) દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે છે. આ યુનિટ દ્વારા છેલ્લા 6 મહિનામા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ખાતે કાર્યરત એન્ટી બુલીંગ યુનિટ દ્વારા ઈન્સ્ટાગ્રામ / ફેસબુક સોશીયલ મીડીયા પ્લેટફોર્મ તરફથી મળેલ આત્મહત્યા કરવા બાબતેના ઈનપુટ આધારે રાજ્યમાં ચાર વ્યક્તિઓના જીવ બચાવ્યાં છે.

અમદાવાદમાં બેકાર યુવકનો જીવ બચાવ્યો
અમદાવાદ શહેરનો એક યુવક છેલ્લા છ મહિનાથી નોકરી છુટી જવાથી બેરોજગાર હતો તેને બીજી કોઈ નોકરી મળતી ન હતી. તેના માતા-પિતા દ્વારા નોકરી ન કરવા તેમજ રાત્રે ઘરે સમયસર ન આવવા બાબતે અવારનવાર ઠપકો મળતાં મનમાં આવ્યું હતું. જેથી તેણે ઝેરી દવા પીતો હોય તેવી સ્ટોરી ઈન્સ્ટાગ્રામ ઉપર મુકી હતી. તેના ઈનપુટ ઈન્સ્ટાગ્રામ તરફથી સ્ટેટ સાયબર સેલના એન્ટી બુલીંગ યુનિટને મળ્યા હતાં. જે આધારે તે યુવક અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમા રહેતો હોવાનું જણાતા તાત્કાલીક પોલીસ કંટ્રોલરૂમને ઈમેઈલ કરી વર્ધી લખાવી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેના આધારે ઈસનપુર પો.સ્ટેની ટીમ તાત્કાલીક તે યુવકના ઘરે પહોંચી હતી અને તે યુવકે ઝેરી દવા પીધી હોવાનું કબૂલતાં જ પોલીસે તેના માતા-પિતાને જાણ કરી હતી. પોલીસ દ્વારા તાત્કાલીક 108 બોલાવી યુવકને એલ.જી હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો.પોલીસની સમય સુચકતાથી આ યુવકનો જીવ બચી ગયો હતો.

સુરતના મહુઆમાં ઘરકંકાસથી કંટાળેલી યુવતીને બચાવી
સુરત જીલ્લાના મહુવા તાલુકાની ૨૩ વર્ષની એક યુવતીને તેના પતિ દ્વારા ઘર ચલાવવા માટે પૈસા આપવામાં આવતા ન હતા. આ યુવતીને એક વર્ષની દિકરીના પાલન-પોષણની સતત ચિંતા રહેતી હોવાથી તેણે આપઘાત કરવાનું વિચાર્યું હતું. જેથી તેણે આપઘાત કરતી હોય તેવી સ્ટોરી ઈન્સ્ટાગ્રામ ઉપર મુકી હતી. તેના ઈનપુટ ઈન્સ્ટાગ્રામ તરફથી એન્ટી બુલીંગ યુનિટને મળ્યા. ઈનપુટમાં યુવતીનો મોબાઈલ નંબર મળતાં જેનો SOR ચેક કરતા તે યુવતી સુરત ગ્રામ્ય જીલ્લાની હોવાનું જણાતા તાત્કાલિક સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ કંટ્રોલને ઈમેઈલ મોકલી તથા કંટ્રોલરૂમમાં ફોન કરી વર્ધી લખાવી તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવાયું હતું. જે આધારે મહુવા પોલીસની ટીમ તે યુવતીના ઘરે પહોંચી હતી અને યુવતી તેમજ તેની એક વર્ષની દિકરીને બચાવી લીધી હતી. તેના ઘરેલું પ્રશ્નોનો ઉકેલ લાવી આપઘાત નહીં કરવા માટે સમજાવી હતી અને તેનું કાઉન્સેલીંગ કરીને એક મહિનાની રાશન કીટ મહુવા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી.

સરકારી નોકરી નહીં હોવાથી આપઘાત કરવાનું વિચાર્યું
અરવલ્લી જીલ્લાના એક યુવક બેરોજગાર હતો અને તેની આજુબાજુ રહેતા બધા જ છોકરા સરકારી નોકરી કરતા હતાં. જેથી તેના માતા-પિતા તેને ‘આજુબાજુ ના બધા છોકરા નોકરી કરે છે.તુ પણ નોકરી કર’ તેવુ કહેતા હતા. આ યુવક સરકારી નોકરી નહીં હોવાથી માનસિક તણાવમાં રહેતો હતો.તેને સરકારી નોકરી મળશે કે નહીં તેવા મગજમાં સતત આડા-અવળા વિચારો આવ્યા કરતા હતા. જેથી તેણે કંટાળીને આપઘાત કરવાનું વિચારીને ઈન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મુકી હતી. જેથી પોલીસે ઈનપુટના આધારે તપાસ કરતાં તે યુવક અમદાવાદના બોડકદેવમાં એક હોટલમાં કામ કરતો હોવાની માહિતી મળી હતી. જે આધારે અરવલ્લી જીલ્લા પોલીસે બોડકદેવ પોલીસને કાર્યવાહી કરવા કહ્યું હતું. જે આધારે બોડકદેવ પોલીસની ટીમ તાત્કાલીક હોટલ ખાતે પહોંચી અને તે યુવક કોઈ અઘટીત પગલું ભરે તે પહેલા બચાવી લઈને તેનું જરૂરી કાઉન્સેલીંગ કર્યું હતું.

ભેંસોની લે વેચમાં દેવુ થઈ જતાં આપઘાતનો વિચાર આવ્યો
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાનો એક યુવક ભેસોની લે-વેચનો ધંધો કરતો હતો. આ યુવકે અમદાવાદથી ભેંસો ખરીદી હતી તેને વેચવા જતા પુરતા ભાવ નહોતા મળ્ચા અને દેવું થઈ થઈ ગયું હતું. જેથી તેણે આપઘાત કરવાનું વિચારી ઈન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મુકી હતી. જેના ઈનપુટ ઈન્સ્ટાગ્રામ દ્વારા સ્ટેટ સાયબર સેલના એન્ટી બુલીંગ યુનિટને મળ્યા. આ ઈનપુટ આધારે પંચમહાલ જીલ્લા પોલીસ કંટ્રોલને ફોન કરીને વર્ધી લખાવી તાત્કાલીક કાર્યવાહી કરાવવા સુચના આપી હતી. ઈનપુટના આધારે શહેરા પોલીસની ટીમ યુવકના મોબાઈલ લોકેશનને આધારે યુવક સુધી પહોંચી હતી અને યુવકનું કાઉન્સેલીંગ કરી તેને હિમ્મત આપી આપઘાત જેવું પગલું ન ભરવા માટે સમજાવ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 7 લોકોનો ભોગ લેનાર નશીલી સિરપકાંડ મામલે થયો ચોંકાવનારો ખુલાસો

Back to top button