નવરંગપુરાના દેરાસરમાં ચોરી કરનાર શખ્સને એલસીબીએ ગણતરીના કલાકોમાં ઝડપ્યો
અમદાવાદ, 8 ડિસેમ્બર 2023: શહેરમાં ચોરી અને લૂંટની ઘટનાઓ વધવા માંડી છે. શહેરમાં બંધ મકાનો અને મંદિરોને ટાર્ગેટ કરીને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. બુધવારે વહેલી સવારે શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્થિત જૈન દેરાસરની દાન પેટીમાં ચોરી થઈ હોવાનું દેરાસરના ટ્રેજરરને જાણવા મળ્યું હતું. ત્યાર બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દેરાસરના મુખ્ય દરવાજાનું લોક તોડીને ચોરો અંદર ઘૂસ્યા હતાં અને દેરાસરની અંદર પડેલી દાન પેટી તોડીને તેમાંથી 80 હજારની રોકડ ચોરી કરી ગયા હતાં.
ગણતરીના કલાકોમાં ચોર ઝડપાયો
પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં લોકલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ચોરને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે એલસીબી ઝોન-1ને ચોરીના ગુના શોધી કાઢવા માટે સૂચના મળી હતી. તેઓ આ દેરાસરમાં ચોરી કરવાના કેસમાં આરોપીને પકડવા માટે પેટ્રોલિંગમાં હતાં. આ દરમિયાન તેમને બાતમી મળી હતી. બાતમીને આધારે એલસીબીના અધિકારીઓએ દિપર ઉર્ફે ભૂરિયો પરમાર નામના શખ્સની ચોરી ગયેલ મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી ચલણીનોટો તથા સિક્કા મળી કુલ 18255 તથા સાયકલ સહિત 19255નો મુદ્દામાલ કબજે કરીને કેસ ઉકેલી નાંખ્યો હતો. આરોપી સામે અમદાવાદમાં નવ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
આ પણ વાંચોઃ જામનગરમાં SOGની કાર્યવાહી, 2.65 લાખનું 555 કિલો ભેળસેળયુકત ઘી કબજે કર્યું