ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

એક્ટર જુનિયર મેહમૂદે 67 વર્ષની વયે મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

  • એક્ટર જુનિયર મેહમૂદ સ્ટેજ 4 કેન્સરની લડાઈ લડી રહ્યા હતા.
  • જુનિયર મેહમૂદ આખરે તેના જીવનની લડાઈ હારી ગયા.
  • કેન્સર સામે ઝઝૂમી રહેલા અભિનેતાએ 67 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું.

મુંબઈ, 08 ડિસેમ્બર: કેન્સર સામે ઝઝૂમી રહેલા પીઢ અભિનેતા જુનિયર મેહમૂદનું ગઇકાલે રાત્રે 67 વર્ષની વયે નિધન થયું હતું. જુનિયર મહેમૂદનું ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ સવારે 2.00 વાગ્યે મુંબઈના ખારમાં તેમના ઘરમાં અવસાન થયું હતું. 67 વર્ષના જુનિયર મહેમૂદ છેલ્લા કેટલાક સમયથી પેટના કેન્સરથી પીડિત હતા, પરંતુ થોડા દિવસો પહેલા જ તેમને આ બીમારી હોવાનું નિદાન થયું હતું.

પાંચ દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં, જુનિયર મહેમૂદે 250 થી વધુ ફિલ્મોમાં કામ કરીને તેમની અભિનય અને કોમેડી કુશળતા સાબિત કરી હતી. માત્ર બે અઠવાડિયા પહેલા જ એવી માહિતી મળી હતી કે, અભિનેતા ચોથા સ્ટેજના કેન્સરની લડાઈ લડી રહ્યા હતા. ગુરુવારે રાત્રે તેમની તબિયત બગડી હતી, જે બાદ તેમનું નિધન થયું હતું.

જુનિયર મહેમૂદનું સાચું નામ નઈમ સૈયદ હતું. તેમની ફિલ્મી કારકિર્દીમાં તેમણે કટી પતંગ, મેરા નામ જોકર, પરવરિશ અને દો ઔર દો પાંચ સહિત ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. જુનિયર મેહમૂદે બાળ કલાકાર તરીકે ફિલ્મ નૌનીહાલથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં સંજીવ કુમાર, બલરાજ સાહની અને ઈન્દ્રાણી મુખર્જી જેવા કલાકારો સામેલ હતા. 1967માં રિલીઝ થયેલી નૌનીહાલથી લઈને અત્યાર સુધી અભિનેતાએ ઈન્ડસ્ટ્રીમાં જુનિયર મેહમૂદના નામથી પોતાની અલગ ઓળખ બનાવી છે. 250 થી વધુ ફિલ્મોમાં અભિનય ઉપરાંત, અભિનેતાએ ઘણી મરાઠી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું.

એક્ટર જીતેન્દ્ર અને સચિન પિલગાંવકર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું

માંદગીના કારણે જુનિયર મેહમૂદે અભિનેતા જીતેન્દ્ર અને સચિન પિલગાંવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ કલાકારો તેમને મળવા આવ્યા હતા. ગઈકાલે કોમેડિયન અને એક્ટર જોની લીવર પણ જુનિયર મેહમૂદને મળ્યા હતા. જુનિયર મેહમૂદે પોતાની કારકિર્દી દરમિયાન જીતેન્દ્ર અને સચિન પિલગાંવકર બંને સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. સચિન પિલગાંવકર અને જુનિયર મહેમૂદે બચપન, ગીત ગાતા ચલ અને બ્રહ્મચારી જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મો ઉપરાંત તેમણે દેશ-વિદેશમાં ઘણા સ્ટેજ શોમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો, અમદાવાદમાં દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર, ભલભલા એરપોર્ટને ઝાંખું પાડી દે તેવું સૌદર્ય !

Back to top button