જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો અને 6 કલાકની સારવાર બાદ તેમનું મોત થયું છે. જો કે આબે પર શા માટે હુમલો કરવામાં આવ્યો અને કોણે આ ષડયંત્ર કર્યું તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી. આબે એવા નેતા છે જેનો વિશ્વના ઘણા નેતાઓ આદર કરે છે. બે વર્ષ પછી પણ જ્યારે તેઓ વડાપ્રધાન પદ પર નથી, પરંતુ તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. લોકો આબેને એક એવા નેતા તરીકે ઓળખે છે જેઓ જમીન સ્તરે જોડાયેલા છે.
ખૂબ જ શાંત સ્વભાવના આબેએ પીએમ તરીકે ઘણી વખત ચીન પર આક્રમક વલણ અપનાવ્યું હતું. તે તેમની જ પહેલ હતી કે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ચીનને ઘેરવા માટે ક્વાડને ફરી સ્થાપિત કરવામાં આવે. આજે તેમના જીવનની કેટલીક વાતો જાણીએ
નાના-દાદા જાપાનના લોકપ્રિય નેતા હતા
શિન્ઝો આબે એક પ્રભાવશાળી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આબેના દાદા કૈના આબે અને પિતા સિંતારો આબે જાપાનના સૌથી લોકપ્રિય રાજકારણીઓમાંના એક હતા. તેમજ તેમના માતા જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નોબોસુકે કિશીના દીકરી હતા. નોબોસુકે કિશી 1957 થી 1960 સુધી જાપાનના વડાપ્રધાન હતા. આમ 21 સપ્ટેમ્બર, 1954ના રોજ ટોક્યોમાં જન્મેલા આબે દેશના સૌથી પ્રભાવશાળી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આબેએ તેમનું શાળાકીય શિક્ષણ નેઓસાકામાં પૂર્ણ કર્યું. તેઓ અહીંની સાઈકેઈ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયા અને પછી વધુ અભ્યાસ માટે જાપાનના નજીકના મિત્ર અમેરિકા ગયા. તેમણે તેમનો બાકીનો અભ્યાસ યુએસએની સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યો.
સ્ટીલ પ્લાન્ટમાં કર્યું કામ
અમેરિકાથી પાછા ફર્યા પછી એપ્રિલ 1979 માં આબેએ કોબે સ્ટીલ પ્લાન્ટમાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં બે વર્ષ રહ્યા બાદ તેમણે વર્ષ 1982માં કંપની છોડી દીધી હતી. નોકરી છોડ્યા પછી, આબેએ દેશના રાજકારણમાં પ્રવેશ કર્યો. રાજનેતા બનતા પહેલા તેમણે સરકાર સાથે જોડાયેલા ઘણા પદો પર પોતાની જવાબદારીઓ નિભાવી હતી. આબેના પિતાનું 1993માં અવસાન થયું હતું અને ત્યારબાદ આબેએ ચૂંટણી લડી હતી. તેઓ ચૂંટણી જીત્યા અને યામાગુશીથી ચૂંટાયા હતા. અન્ય ચાર ઉમેદવારોની સરખામણીમાં આબેને સૌથી વધુ મત મળ્યા હતા. આ સાથે આબેની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ ચૂકી હતી અને તેઓ દિવસેને દિવસે વધુ લોકપ્રિયતા મેળવી રહ્યા હતા.
Sharing a picture from my most recent meeting with my dear friend, Shinzo Abe in Tokyo. Always passionate about strengthening India-Japan ties, he had just taken over as the Chairman of the Japan-India Association. pic.twitter.com/Mw2nR1bIGz
— Narendra Modi (@narendramodi) July 8, 2022
જાપાનના સૌથી યુવા પીએમ
2006માં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના આબે વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2007 સુધી તેઓ દેશના પીએમ હતા. જ્યારે તેઓ પીએમ બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 52 વર્ષની હતી. તેમના નામે બે રેકોર્ડ છે. આબે વિશ્વયુદ્ધ પછી જાપાનના સૌથી યુવા પીએમ તો બન્યા જ, પરંતુ તેઓ બીજા વિશ્વ યુદ્ધ પછી જન્મેલા પ્રથમ પીએમ પણ હતા. શિન્ઝો આબે ઉત્તર કોરિયા પ્રત્યે તેમના કડક વલણ માટે જાણીતા છે. તેમણે 2012થી 2020 સુધી ફરી એકવાર દેશના વડપ્રધાન તરીકે સેવા આપી હતી. આ સિવાય તેઓ જાપાનના એવા વડાપ્રધાન રહી ચુક્યા છે જેમણે આ પદ સૌથી લાંબો સમય સંભાળ્યું હતું.
આ પણ વાંચો : જાપાન પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું મોત, કોણ છે એ વ્યક્તિ જેને કર્યો હુમલો ?
ઉત્તર કોરિયા તરફ જાપાની નાગરિકોના સતત વધી રહેલા અપહરણને કારણે બંને દેશો વચ્ચે તણાવની નવી સ્થિતિ સર્જાઈ હતી. 2001માં ઉત્તર કોરિયાના નાગરિકોએ જાપાની નાગરિકોનું અપહરણ કર્યું હતું. આબેને જાપાન સરકાર વતી મુખ્ય મધ્યસ્થી તરીકે મોકલવામાં આવ્યા હતા. 2002 માં આબે ઉત્તર કોરિયાના તત્કાલીન વડા પ્રધાન અને સરમુખત્યાર કિમ જોંગ-ઉનને મળ્યા હતા. તેમના પ્રયાસોથી કટોકટી દૂર થઈ અને તેમના ચાહકોની સંખ્યામાં વધારો થયો હતો.
‘દેશ માટે પ્રેમ’
આબેએ જાપાનની રાજનીતિની સાથે સાથે તેની અર્થવ્યવસ્થાને નવો રંગ આપ્યો. આબેની આર્થિક નીતિઓએ નવા શબ્દ ‘આબેનોમિક્સ’ને જન્મ આપ્યો. આજ રસ્તે ચાલતા ભારતમાં પીએમ નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓને ‘મોદીનોમિક્સ’ નામ આપવામાં આવ્યું હતું. આબેએ રાઈટ વિંગ રાજકારણીઓ સાથે મળીને માર્ચ 2007માં એક બિલનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ બિલ હેઠળ જાપાનના યુવાનોનો તેમના દેશ અને વતન પ્રત્યે પ્રેમ વધારવા માટે ઘણી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે આ બિલને લઈને તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં ‘લવ ફોર કન્ટ્રી’ના નામે બિલ પસાર કરવામાં આવ્યું હતું.