અમદાવાદ, 7 ડિસેમ્બર 2023, ગુજરાતમાં યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન હલકી ગુણવત્તા ધરાવતા ઘી થી મોહનથાળનો પ્રસાદ તૈયાર કરાયો હતો. આ પ્રસાદ માટેના ઘીનો સપ્લાય અમદાવાદના માધુપુરામાં નિલકંઠ ટ્રેડર્સ નામની પેઢીમાંથી કરવામાં આવ્યો હતો. આ પેઢીના માલિક જતીન શાહ સામે હાલમાં સમગ્ર કેસમાં તપાસ ચાલી રહી છે. તેઓ જામીન પર હતાં અને આજે તેમણે જન્મદિવસે જ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે. પ્રાથમિક તપાસમાં તેમના ઘરમાંથી કોઈ પણ પ્રકારની ચીઠ્ઠી કે સુસાઈડ નોટ મળી આવી નથી. તેમણે દબાણમાં હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું પોલીસ સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો
અમદાવાદના માધુપુરા માર્કેટમાં નીલકંઠ ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા જતીન શાહ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ માટે ઘી પુરૂ પાડતાં હતાં. અંબાજી મંદિરમાં ઘીના કારણે વિવાદ સર્જાયો હતો અને સમગ્ર તપાસમાં તેમનું નામ ખુલ્યું હતું. ત્યાર બાદ તેમની સામે કાર્યવાહી થઈ હતી અને તાજેતરમાં તેમને જામીન પણ મળ્યા હતાં. તેમણે આજે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેમના પત્ની સવારે તેમને જગાડવા માટે ગયાં ત્યારે રૂમમાં પતિને ફાંસો ખાઈ લટકતાં જોયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. બીજી તરફ નારોલ પોલીસ પણ તેમના ઘરે પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં ગુજરાતી બિઝનેસમેનની ગોળી મારીને હત્યા, ફાયરીંગ કર્યા બાદ હત્યારાએ આપઘાત કર્યો