જ્યારે બે વાઘની લડાઈ પ્રવાસીઓને લાઈવ જોવા મળી…
ચંદ્રપુર (મહારાષ્ટ્ર), 07 ડિસેમ્બર તાડોબા ટાઈગર રિઝર્વમાં પ્રવાસીઓ જંગલ સફારી માણી રહ્યા હતા ત્યારે એકાએક તરુ અને શંભુ નામના બે વાઘ પ્રવાસીઓની જીપ્સી વચ્ચે આવી ગયા હતા. જંગલના રસ્તામાં બે વાઘ એકબીજા પર તૂટી પડ્યા હતા. આ નજારો જોતા પહેલા તો પ્રવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ આ નજારાના પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. આ લડાઈ લગભગ અડધા કલાક સુધી ચાલી હતી. લડતી વખતે બંને વાઘ પ્રવાસી જિપ્સીઓની ખૂબ નજીક આવી રહ્યા હતા. જો કે, એક પછી એક જીપ્સી હરોળમાં ઊભી હતી તે કારણે તરત જ રિવર્સમાં જવું પણ શક્ય ન હતું.
વાઘની ગર્જનાથી આખું જંગલ ધ્રૂજી ઊઠ્યું
મુંબઈના વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર નીતિન ઉલેએ જણાવ્યું કે, જ્યારે તેઓ જંગલ સફારીની મજા માણી રહ્યા હતા ત્યારે તેમનો ફેવરિટ ટાઈગર તરુ રસ્તા પર પોતાની ટેરિટરી માર્ક કરી રહ્યો હતો. જો કે, દર સપ્તાહે પ્રત્યેક વાઘ પોતાની ટેરિટરી માર્ક કરે છે, જેથી બીજો કોઈ વાઘ તેમના સ્થળ પર ન આવે. તેમણે જણાવ્યું કે, પહેલાં શંભૂ નામનો વાઘ તરૂ વાઘ પર તૂટી પડ્યો. ગણતરીની સેકન્ડમાં બંને વાઘ તેમના પાછળના પગ પર ઊભા થયા અને એકબીજા પર ત્રાટક્યા. બંનેની ગર્જનાનો અવાજ એટલો ભયાનક હતો કે આખું જંગલ ધ્રૂજી ઊઠ્યું. બંને વાઘ એટલા ગુસ્સામાં હતા કે તેમની આંખો લાલચોળ થઈ ગઈ હતી.
વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરે કહ્યું કે, બંનેના શરીરમાંથી લોહી પણ વહેવા લાગ્યું હતું. થોડીવાર ઝઘડ્યા બાદ બંને ફરી થાકી ગયા અને ફરી એકબીજા પર ભિડ્યા. લગભગ અડધા કલાક સુધી આ ક્રમ ચાલુ રહ્યો. જો કે, બંને આગળ જઈ પોતપોતાના રસ્તે જવા લાગ્યા.આ દુર્લભ દૃશ્ય મુંબઈના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર નીતિન ઈલેએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો.
આ પણ વાંચો: વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગર યુવકને ખેંચી ગયો, ફાયર બ્રિગેડને યુવકનો મૃતદેહ મળ્યો