અમદાવાદગુજરાત

અમદાવાદના રાણીપમાં સરકારી બોક્સ ક્રિકેટ બનશે, 2.81 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ તૈયાર થશે

Text To Speech

અમદાવાદ, 6 ડિસેમ્બર 2023: શહેરમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીને વધારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમર કસવામાં આવી છે. શહેરના રાણિપ વિસ્તારમાં 2.81 કરોડના ખર્ચે આઉટડોર અને ઈન્ડોર ગેમ્સ માટેનું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વોલીબોલ, બેડમિન્ટન, કેરમ, ચેસ અને યોગ મેડિટેશન સેન્ટર વગેરે બનાવવામાં આવશે. તે ઉપરાંત રાણીપમાં ગુજરાતનું સૌ પ્રથમ સરકારી બોક્સ ક્રિકેટ પણ બનાવવામાં આવશે.

ચેસ, કેરમ અને યોગ મેડીટેશન રૂમ બનાવવામાં આવશે
અમદાવાદ શહેરમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં સોમેશ્વર ટેનામેન્ટ પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના 3451 ચો.મીટર પ્લોટમાં નવું ઇન્ડોર અને આઉટડોર ગેમ માટેનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે. ત્યાં 745 ચોરસ મીટર જગ્યામાં બોક્સ ક્રિકેટ, 393 મીટર જગ્યામાં બેડમિન્ટન કોર્ટ, 250 મીટરથી વધુ જગ્યામાં વોલીબોલ કોર્ટ અને 731 ચોરસ મીટર જગ્યામાં ઇન્ડોર ગેમ્સ માટેની બિલ્ડીંગ બનાવવામાં આવશે. જેમાં ચેસ, કેરમ અને યોગ મેડીટેશન રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત તેમાં રીડિંગ રૂમ અને લોકર રૂમ અને પાર્કિંગની પણ સુવિધાઓ હશે.

સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવા માટે 2.81 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
શહેરમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવા માટે 2.81 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેના માટે કોન્ટ્રાક્ટ યમુનેશ કન્સ્ટ્રક્શન નામની કંપનીને સોંપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની કામગીરી ઝડપથી શરૂ થશે અને 2 વર્ષમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ જશે. રાણીપ, નવા વાડજ, નિર્ણયનગર, વાડજ, ચાંદલોડિયા, અખબારનગરનાં નાગરિકો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ લઈ શકશે. શહેરના એસજી હાઇવેની આસપાસ ખુલ્લા પ્લોટમાં મોટા બોક્સ ક્રિકેટ બન્યા છે જ્યાં એક કલાકના 1,500થી લઈ 2-3 હજાર રૂપિયા ચાર્જ લેવાય છે. ત્યારે હવે AMC દ્વારા લોકોને બોક્સ ક્રિકેટ ખૂબ જ નજીવા દરે રમવા મળે તેના માટે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથે બોક્સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સાણંદમાં માઇક્રોન કંપનીના સેમિકન્‍ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને ઝડપી બનાવવા એગ્રીમેન્‍ટ કરાયા

Back to top button