રાજસ્થાનની કરણપુર બેઠક પર 5 જાન્યુઆરીએ મતદાન યોજાશે: ચૂંટણી પંચ
- 25 નવેમ્બરે 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું
- કરણપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારના નિધનને કારણે મતદાન મોકૂફ રહ્યું હતું
નવી દિલ્હી, 06 ડિસેમ્બર: ભારતના ચૂંટણી પંચે રાજસ્થાનના કરણપુર મતવિસ્તારમાં ચૂંટણી માટે મતદાનની તારીખ 5 જાન્યુઆરી 2024 નક્કી કરી છે. ગુરમીત સિંહ કુનાર કરણપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા. ચૂંટણી પહેલા તેમનું નિધન થવાના કારણે આ બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. હવે ચૂંટણી પંચ આ બેઠક પર પેટાચૂંટણી કરાવશે, જેના માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
રાજસ્થાનમાં 25 નવેમ્બરે 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે 14 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કુનારનું નિધન થયું હતું. તેઓ કરણપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. 75 વર્ષીય ગુરમીત સિંહને 12 નવેમ્બરે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, કરણપુર બેઠક પર ઉમેદવારી પત્ર (નોમિનેશન) ભરવાની છેલ્લી તારીખ 19 ડિસેમ્બર 2023 છે. તેમજ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 22 ડિસેમ્બર 2023 છે. 5 જાન્યુઆરી 2024ના રોજ ચૂંટણી યોજાશે અને 8 જાન્ચુઆરી 2024ના રોજ મતગણતરી કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી (BJP) રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બની અને 200 સભ્યોની રાજ્ય વિધાનસભામાં સરકાર બનાવવાની તૈયારીમાં છે. કારણ કે પાર્ટીએ બહુમતીનો આંકડો પાર કર્યો છે. જ્યારે કોંગ્રેસ બીજા ક્રમે છે. વિજય મેળવ્યા બાદ ભાજપનું ધ્યાન હવે રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોણ હશે તેના પર કેન્દ્રિત થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના ટોચના અધિકારીઓ આગામી દિવસોમાં પાર્ટીના રાજસ્થાનના સીએમ ઉમેદવાર પર વિચાર-વિમર્શ કરશે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, મહંત બાલકનાથ, રાજસ્થાન ભાજપના પ્રમુખ સીપી જોશી અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત મુખ્યમંત્રીની ખુરશી માટે ટોચના દાવેદારોમાં હોવાનું કહેવાય છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિ જોતાં એવું કહી શકાય કે આમાંથી એકપણ નેતા મુખ્યપ્રધાન ન બને અને કોઈ અન્ય નેતાની પસંદગી થઈ શકે. એ સંજોગોમાં વર્તમાન કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલની પસંદગી થાય તો નવાઈ નહીં.
આ પણ વાંચો, સચિન અને વિરાટને મળ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનું આમંત્રણ