અમદાવાદગુજરાત

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને ધારાસભ્ય પુરૂષોત્તમ સોલંકીના નકલી PAની ધરપકડ

અમદાવાદ, 6 ડિસેમ્બર 2023, ગુજરાતમાં નકલી અધિકારીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી વિગતો બહાર આવી રહી છે. નકલી ચીજ વસ્તુઓ તો ઠીક પણ હવે નકલી સરકારી કચેરીઓ પણ રાજ્યમાં ધમધમવા માંડી છે. આટલું જ નહીં નકલી ટોલનાકું પણ ચાલતુ હોવાનો કિસ્સો બન્યો છે. થોડા સમય પહેલાં કિરણ પટેલ નામનો નકલી PMO અને વિરાજ પટેલ નામનો નકલી CMO ઝડપાયો હતો. હવે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના PA તરીકે ખોટી ઓળખ આપીને સુપ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધાકધમકી આપવાના મામલે પોલીસે નકલી PAની અટકાયત કરી છે. બીજી તરફ ધારાસભ્ય પુરૂષોત્તમ સોલંકીનો અંગત મદદનીશ હોવાનું કહી રૌફ મારતા ભેજાબાદની પણ ધરપકડ કરવામાં આવી છે.

માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ફોન કરીને ધમકી આપી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટી અને પ્રસિદ્ધ લોક સાહિત્યકાર મનસુખ વસોયાને 2 દિવસ પહેલા મોબાઈલ કોલમાં ધમકી ભર્યા સ્વરમાં એક શખ્સનો માનવ મંદિર આશ્રમમાં રાખવા માટે ફોન આવ્યો હતો.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, અજાણ્યા શખ્સે ગત તારીખ 29 નવેમ્બરે સાવરકુંડલાના હાથસણી ગામે આવેલ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટી મનસુખભાઈ વસોયાને ફોન કરી પોતાની ઓળખ પુરુષોત્તમ રૂપાલાના PA તરીકે ઓળખ આપી તમારા આશ્રમમાં માનસિક અસ્થિર વ્યક્તિને દાખલ કરવો છે તેમ કહ્યું હતું.

પોલીસે ભાવેશ ગોયાણી નામના શખ્સની ધરપકડ કરી
આશ્રમના ટ્રસ્ટીએ માનસિક અસ્થિર મહિલાને જ આશ્રમમાં રાખવામાં આવતાં હોવાનું જણાવી પુરૂષને આશ્રમમાં દાખલ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ થોડીવાર પછી અજાણ્યા શખ્સે ફોન કરી તમારી 11 લાખની ગ્રાંટ મંજુર થવાની હતી તે હું સરકારમાંથી મંજુર કરાવવાનો હતો પરંતુ હવે તમને આ ગ્રાંટ નહીં મળે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીએ અજાણ્યા શખ્સના બંને ફોન રેકોર્ડીંગ કરી લીધા હતા. આ અંગે તપાસ કરતાં ફોન કરનાર વ્યક્તિ પુરુષોત્તમ રૂપાલાના PA નહીં હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે પરસોતમ રૂપાલાના કાર્યાલય મંત્રી હિરેનભાઈને વાત કરી હતી. આ બનાવ બાબતે અમરેલી LCBને જાણ કરતાં પોલીસે મોબાઈલ નંબરના આધારે ગણતરીના કલાકોમાં જ અમરેલી રહેતા ભાવેશ ગોયાણી નામના શખ્સની ધરપકડ કરી લીધી હતી.

મંત્રી પુરૂષોત્તમ સોલંકીના નામે રોફ જમાવતો હતો
બીજી તરફ જૂનાગઢના ધારાસભ્ય અને મંત્રી પરષોત્તમ સોલંકીના નામે રોફ જમાવતો એક ભેજાબાજ પોલીસના હાથે લાગ્યો છે. ધારાસભ્યનો અંગત મદદનીશ હોવાનું કહેતા આ 53 વર્ષના આધેડની કારમાંથી MLA ગુજરાત લખેલી પ્લેટ પણ મળી આવી છે. તથા તેની પાસે મંત્રીના નામનું વિઝિટિંગ કાર્ડ પણ મળ્યું છે.આ અંગે જૂનાગઢના DySP હિતેશ ધાંધલિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન એક શંકાસ્પદ કારમાં MLA ગુજરાત લખેલું બોર્ડ દેખાતા તેને થોભાવી હતી, બાદમાં પૂછપરછ કરતા રાજેશ જાદવ નામનો કાર ચાલક ધારાસભ્ય સાથે સંબંધિત ન હોવાનું જણાયું હતું. ત્યારબાદ તેની સામે કલમ 170 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલમાં તેની પૂછપરછ શરૂ છે, તેની પાસેથી વિઝિટિંગ કાર્ડ મળી આવ્યા છે. જેમાં રાજ્યકક્ષા મંત્રીના અંગત સચિવ હોવાનું લખ્યું છે.

આ પણ વાંચોઃ બે ગુજરાતી પશુપાલકને શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ

Back to top button