અમદાવાદ, 6 ડિસેમ્બર 2023, આયુર્વેદિક સિરપનું સેવન કર્યા બાદ અત્યાર સુધીમાં 6 લોકોના મૃત્યુ થયાં છે. તે ઉપરાંત કેટલાક દર્દીઓને સારવાર હેઠળ પણ રાખવામાં આવ્યાં છે. જેમાં ત્રણેક લોકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આજે વહેલી સવારે 72 વર્ષિય સાંકળભાઈ સોઢાનું સાત દિવસની સારવાર બાદ મૃત્યુ થયું છે. તેમને સારવાર માટે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. આ ઉપરાંત હજી બે દર્દીઓ સારવાર હેઠળ છે.
મૃતક દર્દી એક સપ્તાહથી વેન્ટિલેટર પર હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં સાંકળભાઈ સોઢાને છેલ્લા એક સપ્તાહથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. તેમની તબિયતમાં સુધારો નહીં થતાં આજે તેમણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. જ્યારે બીજા એક દર્દી અમિતભાઈ સોઢાને ફોલોઅપ એડવાઈઝ આપીને સિવિલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. આ બંને દર્દીની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન સિરપકાંડના વધુ એક દર્દીને ગત રાતે ઓબ્ઝર્વેશન માટે લવાયા હતાં. 40 વર્ષીય હેમંતભાઈ ચૌહાણે બે બોટલ જેટલી સિરપનું સેવન કર્યું હતું. ખેડા પોલીસે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા.
ગત રાત્રે વધુ એક દર્દીને લાવવામાં આવ્યા
સિવિલ હોસ્પિટલ એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રજનીશ પટેલે મીડિયાને જણાવ્યા પ્રમાણે ગત રાત્રે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા 40 વર્ષીય હેમંતભાઈ ચૌહાણની સ્થિતિ ખૂબ જ સામાન્ય છે. સિરપમાં જે પણ તત્ત્વ હતું, જેના લીધે અનેક લોકો મોતને ભેટ્યા છે તે પ્રકારનાં કોઈ પણ લક્ષણો આ દર્દીમાં જોવા મળતાં નથી. એકદમ સારી સ્થિતિમાં છે. જો આગામી 24-48 કલાક દરમિયાન તેઓની સ્થિતિ સામાન્ય રહેશે તો તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ જાણો કેમ NRI ગુજરાતમાંથી ખરીદે છે આશરે રૂ. 250-300 કરોડની દવા