ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

હજ માટે નોંધણીની પ્રક્રિયા થઈ શરૂ, જાણો કોણ કરી શકશે અરજી?

  • સાઉદી અરેબિયા દ્વારા હજ 2024ની તૈયારીઓ શરૂ કરવામાં આવી
  • અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના લોકો હજ માટે કરી શકશે ઓનલાઇન અરજી

નવી દિલ્હી, 6 ડિસેમ્બર : ઇસ્લામના બે પવિત્ર શહેરો મક્કા અને મદીનાના ઘર સાઉદી અરેબિયાએ હજ 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાઉદી અરેબિયાએ હજ માટે ઓનલાઈન નોમિનેશન ચાલુ છે. જો કે, આ નોમિનેશન હાલમાં ફક્ત કેટલાક દેશો માટે જ ખુલ્લું છે. માત્ર અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના મુસ્લિમો હજ માટે ઓનલાઈન નોમિનેશન ભરી શકે છે. હજ કરવા માટે સાઉદી અરેબિયામાં મક્કા જવું ઇસ્લામમાં પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હજએ વ્યક્તિના તમામ પાપોને ધોઈ નાખે છે. દર વર્ષે વિશ્વભરમાંથી લાખો લોકો હજ માટે સાઉદી અરેબિયા જાય છે.

 

ઓનલાઈન પ્લેટફોર્મ Nusuk પર કરી શકાશે રજીસ્ટ્રેશન

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે જણાવ્યું હતું કે, જે લોકો આવતાં વર્ષે હજ માટે જવા માંગે છે તેઓ ઓનલાઈન પ્લેટફોર્મ Nusuk દ્વારા રજીસ્ટ્રેશન કરવી શકે છે. Nusuk હજ પ્લેટફોર્મને હજ અને ઉમરાહ મંત્રાલયે વર્ષ 2022માં લોન્ચ કર્યું હતું. જેનો ઉદ્દેશ હજયાત્રીઓ માટે યાત્રા સુવિધાજનક બનાવવાનો છે. સાઉદી અરેબિયાએ હાલ ભારત અને અન્ય એશિયન દેશોના મુસ્લિમો માટે નોંધણીની પ્રક્રિયા શરૂ કરી નથી. હજ 2024 માટેના વિઝા 1 માર્ચથી મળવાનું શરૂ થશે અને 24 એપ્રિલ સુધી વિઝા માટે અરજી કરી શકાશે.

ઇસ્લામમાં આ મુસ્લિમો માટે હજ યાત્રા જરૂરી છે

મક્કા જવું અને હજ કરવી એ ઇસ્લામમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. હજને ઇસ્લામના પાંચ પવિત્ર સ્તંભોમાંથી એક ગણવામાં આવે છે. હજ કરવી એ ઇસ્લામનું પાલન કરનારાઓની ધાર્મિક ફરજ માનવામાં આવે છે. ઇસ્લામમાં, આર્થિક અને શારીરિક રીતે સક્ષમ મુસ્લિમ માટે હજ કરવાનું ફરજિયાત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, હજ કરવાથી પાપો ધોવાઇ જાય છે અને અલ્લાહ તમારી પ્રાર્થનાઓ સાંભળે છે.

હજ પર જતી મહિલાઓને લઈને સાઉદી સરકારની નીતિઓમાં નરમાઈ

સાઉદી અરેબિયા અગાઉ રૂઢિચુસ્ત ઇસ્લામિક નીતિઓનું પાલન કરતું હતું પરંતુ મોહમ્મદ બિન સલમાનના આગમનથી સાઉદી અરેબિયા ઉદાર ઇસ્લામના માર્ગે ચાલી રહ્યું છે. સાઉદી અરેબિયાના વાસ્તવિક શાસક મોહમ્મદ બિન સલમાને મહિલાઓને લઈને ઘણા મોટા સુધારા કર્યા છે. આ અંતર્ગત મહિલાઓને પણ એકલા હજ પર જવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ મહિલાઓ પુરૂષ સાથી (મહરમ) વગર હજ પર જઈ શકતી ન હતી, પરંતુ હવે સાઉદી અરેબિયાએ મહિલાઓને એકલી હજ પર જવાની મંજૂરી આપી છે. દર વર્ષે વિશ્વભરમાંથી લાખો મુસ્લિમો હજ માટે સાઉદી અરેબિયા પહોંચે છે. વર્ષ 2023માં 18 લાખથી વધુ લોકો હજ માટે આવ્યા હતા. કોવિડ પછી હાજીઓની આ સૌથી વધુ સંખ્યા હતી.

આ પણ જુઓ :પૂર્વ પીએમ ઈમરાન ખાનને ફટકો, ગોહર અલી ખાન ચૂંટાયા PTIના વડા

Back to top button