બનાસકાંઠા : ડીસાના વાડી રોડ પર જાહેરમાં ખૂલ્લી તલવારોથી કેક કાપી
- પોલીસે રોડને બાનમાં લેનાર તત્વો સામે કાર્યવાહી શરૂ કરી
પાલનપુર 05 ડિસેમ્બર : ડીસામાં રાત્રે 10 થી વધુ લોકોના ટોળાએ જાહેર માર્ગ પર ખુલ્લી તલવારો વડે કેક કાપી બર્થ ડે ઉજવી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો CCTV વીડિયો વાઈરલ થતા જાહેર માર્ગને બાનમાં લેતા તત્વો સામે કાર્યવાહી કરવા લોકોની માંગ છે.
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. તેવામાં ગઈકાલે રાત્રે વાડી રોડ પર 10 જેટલા યુવકોના ટોળાએ ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યો હતો. જેમાં 10 થી વધુ યુવકોના ટોળાએ રોડ વચ્ચે જ બાઈક પાર્ક દીધું હતું અને ખુલ્લી તલવારો સાથે કેક કાપી બર્થ ડે મનાવ્યો હતો.
10 થી વધુ યુવકોનું ટોળુ રોડ પર ખુલ્લી તલવારો સાથે ઊભા રહેતા ત્યાંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યાંથી નીકળતા લોકો પણ ડરી ડરીને પસાર થઈ રહ્યા હતા. ઘટનાને પગલે આજુબાજુના સ્થાનિક લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જોકે મોડી સુધી પોલીસ ન આવતા આ લોકો બર્થ ડે મનાવી ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ ડીસા શહેર ઉત્તર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ત્યારે જાહેર માર્ગને ખુલ્લી તલવારો સાથે બાનમાં લેનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી સ્થાનિક લોકોની માંગ છે.
આ પણ વાંચો : ગુજરાતના ગરબા યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર થાય તેવી શક્યતા