મધ્યપ્રદેશઃ કોંગ્રેસના જીતેલા ધારાસભ્ય જાહેરમાં પોતાનું મોં કાળું કરશે
- ચૂંટણી પહેલા આપેલા નિવેદનમાં મધ્યપ્રદેશના નેતા ફસાયા, પોતાના જ હાથે કરવું પડશે પોતાનું જ મોઢું કાળું.
ભોપાલ, 05 ડિસેમ્બર: કોંગ્રેસના નવા ચૂંટાયેલા અને પ્રખ્યાત ધારાસભ્ય ફૂલસિંહ બરૈયા મોઢું કાળું કરશે. તમને એવું લાગતું હશે કે એ તો ચૂંટણી જીત્યા છે તો પછી કેમ મોં કાળું કરશે? એક સમયે બસપાના પ્રદેશ અધ્યક્ષ ફૂલ સિંહ બરૈયા હવે લાંબા સમયથી કોંગ્રેસમાં છે. આ વખતે પણ તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી મેદાનમાં હતા અને ભંડેર બેઠક પરથી ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચી રહ્યા છે. ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસની કારમી હાર છતાં બરૈયાનો વિજય થયો હતો. પરંતુ જીત બાદ પણ બરૈયાને મોઢું કાળું કરવાનો વારો આવ્યો છે.
કેમ જીતેલા ધારાસભ્ય ફૂલસિંહ મોં કાળું કરશે ?
બરૈયા વિધાનસભાની ચૂંટણી તો જીતી ગયા પરંતુ હવે તે જાહેરમાં પોતાનું મોઢું કાળું કરવા જઈ રહ્યા છે. કારણ કે ફૂલસિંહ બરૈયાએ ચૂંટણી પહેલા કહ્યું હતું કે, “આ વખતે જો મધ્યપ્રદેશમાં ભાજપને 50થી વધુ સીટો મળશે તો હું મારું મોઢું કાળું કરીશ”. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર આવતાં હવે કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયા 7મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે ભોપાલમાં રાજભવન સામે મોઢું કાળું કરશે.
અમને EVM પર વિશ્વાસ નથી: ફૂલ સિંહ બરૈયા
ફૂલ સિંહે કહ્યું, “હું મારા નિવેદન પર અડગ છું, હું ભાજપનો નેતા નથી જે આવું કહીને ફરી શકું”. બરૈયાએ કહ્યું કે, ‘લોકશાહી બચાવવા માટે હું લોહીથી મારો ચહેરો પણ લાલ કરી શકું છું. અમને બેલેટ પેપરમાં 90 ટકા મત મળ્યા છે. ભાજપે ચૂંટણીને મત અને નોટોનો મુદ્દો બનાવી દીધો. અમને EVM પર વિશ્વાસ નથી. હારનું કારણ ઈવીએમ છે. નરોત્તમ મિશ્રાએ પેટાચૂંટણીમાં મને ગાળો આપીને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતું તેથી હું તેને ચૂંટણીમાં હરાવવા મક્કમ હતો… અને મેં તેમને ચૂંટણીમાં હરાવ્યા’.
આ પણ વાંચો: ત્રણ રાજ્યોમાં ભાજપના વિજ્ય બાદ CM ખુરશી માટે કવાયત