નકલી ટોલનાકા મુદ્દે સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલે કહ્યું, મારા પુત્રની કોઈ સંડોવણી નથી
રાજકોટ, 5 ડિસેમ્બર 2023, વાંકાનેરના વઘાસિયા ગામ નજીક નેશનલ હાઈવે પર છેલ્લા દોઢ વર્ષથી ગેરકાયદે ટોલનાકુ ચલાવતાં માથાભારે લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના પુત્ર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ, ગામના સરપંચ અને ભાજપના કાર્યકર હોવાનું બહાર આવ્યું છે. આ મામલે જેરામ પટેલે બચાવ કરતા જણાવ્યું હતું કે, અમારી ફેક્ટરી બંધ હોવાથી તેને ભાડે આપી હતી. ફેક્ટરીના ભાડા કરારમાં ઊઘરાણા બાબતનો કોઈ પણ ઉલ્લેખ કરાયો નથી. આ સમગ્ર મામલામાં મારા પુત્ર અમરીશ પટેલની કોઈ સંડોવણી પણ નથી જેથી પોલીસને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે.
મારા પુત્રની આ ફેક્ટરીમાં કોઈ લેવાદેવા નથીઃ જેરામ પટેલ
જેરામ પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, ભાડે આપેલી ફેક્ટરી અમારા પરિવારની છે. ભાડાકરાર કરીને આ ફેક્ટરી ભાડે આપી હતી. જેથી ભાડુઆતોએ શું કહ્યું હોય તેની અમને કશી જ ખબર નથી. અમે પોલીસને પણ ભાડાકરારની કોપી આપી દીધી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાડા કરારમાં આ ફેક્ટરી પરથી વાહનો પસાર કરવા કે ભાડું ઉઘરાવવું એવું કોઈ પણ પ્રકારનું અમે લખાણ કર્યું નથી. લગભગ 11 મહિનાનો ભાડા કરાર છે. તેમાં અમારે જરૂરિયાત હતી એટલે છેલ્લે 10માં મહિનામાં નોટિસ પણ આપી હતી કે, અમારે હવે ભાડાકરાર કેન્સલ કરવો છે. આ કંપનીમાં કોઈ મેનેજિંગ ડિરેક્ટર નથી. મારો પુત્ર અમરીશ મારી બીજી ફેક્ટરી જેડ ગ્રેનાઈટો છે તેમાં બેસે છે. તેને આ ફેક્ટરીમાં કોઈ લેવાદેવા નથી. આવી પ્રવૃત્તિઓને અમે સમર્થન આપતાં નથી.
નકલી ટોલનાકા પર છેલ્લા દોઢ વર્ષથી ઉઘરાણું થતું હતું
બામણબોરથી કચ્છ તરફ જવાના રસ્તા પર વઘાસિયા ગામ પાસે નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલ પ્લાઝા બનાવ્યું છે. જ્યાં રોજ ફોર વ્હીલ વાહનચાલક પાસેથી રૂ. 50, મેટાડોર અને આઈસરના ચાલક પાસેથી રૂ. 100 અને ટ્રકના ચાલક પાસેથી રૂ. 200નું ઉઘરાણું થઈ રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ટોલનાકું છેલ્લા દોઢ વર્ષથી ધમધમી રહ્યું છે. ટોલનાકુ ઉભુ કરનારા લોકો કરોડો રૂપિયા ઉઘરાવી ઘરભેગા કરી રહ્યા છે. ત્યારે આ કેસમાં દોઢ વર્ષ બાદ પોલીસ અને સરકારી કર્મચારીઓનું ધ્યાન જતાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ જામનગરની તમામ કોર્ટમાં આગામી 9 ડિસેમ્બરે નેશનલ લોક અદાલતનું આયોજન