તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે બે રાજ્યો ગુમાવ્યા છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાંથી પાર્ટીની સરકાર ગઈ છે. જ્યારે મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસ સરકાર બનાવવામાં નિષ્ફળ રહી છે. આ પરિણામોના બીજા જ દિવસે સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની સંસદીય રણનીતિ સમિતિની બેઠક સોનિયા ગાંધીના ઘરે મળી રહી છે.
તમામ મોટા નેતાઓ રહ્યા હાજર
આ બેઠકમાં સંસદમાં કોંગ્રેસની રણનીતિ અંગે ચર્ચા ચાલી રહી છે. સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ ગૌરવ ગોગોઈ, નાસિર હુસૈન, મણિકમ ટાગોર, પ્રમોદ તિવારી, અભિષેક મનુ સિંઘવી, સાંસદ મનીષ તિવારી, પી ચિદમ્બરમ, રજની પાટિલ, કેસી વેણુગોપાલ, સાંસદ શશિ થરૂર, રવનીતિ બિટ્ટુ, જયરામ રમેશ હાજર રહ્યા હતા.
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે
ઉલ્લેખનીય છે કે, સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સત્રના એજન્ડા પર ચર્ચા કરવા માટે શનિવારે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, ‘શિયાળુ સત્રમાં કુલ 15 બેઠકો થશે. અમે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં 23 પક્ષોના 30 નેતાઓએ ભાગ લીધો હતો. ઝીરો અવર નિયમિત રીતે થઈ રહ્યું છે. અમે તમામ પક્ષોને વિનંતી કરી હતી કે ગૃહમાં મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા માટે વાતાવરણ જાળવવું જોઈએ. ચર્ચા નિયમો અને પ્રક્રિયાઓને અનુસરીને થવી જોઈએ. સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે.
મોદીએ કહ્યું, ચૂંટણીના પરિણામો પ્રોત્સાહક હતા
આ સત્રમાં હાજરી આપવા આવેલા પીએમ મોદીએ સંસદની બહાર મીડિયાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘રાજકીય ગતિવિધિ ઝડપથી વધી રહી છે. ગઈકાલે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા હતા. પરિણામો ખૂબ જ પ્રોત્સાહક છે – જેઓ સામાન્ય લોકોના કલ્યાણ માટે, દેશ માટે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે તેમના માટે પ્રોત્સાહક છે.