અમદાવાદગુજરાત

24મા ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનનો પ્રારંભ, 1200થી વધુ સ્પર્ધકો સહભાગી થયા

Text To Speech

ગાંધીનગર, 4 ડિસેમ્બર 2023, ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનનો શુભારંભ કરાવ્યો છે. આ સ્પર્ધા ૪ થી ૮ ડિસેમ્બર દરમિયાન યોજાશે. જેમાં દેશના અલગ-અલગ રાજ્યના પોલીસ વિભાગ તેમજ પેરામીલીટરીની બેન્ડ ટીમો મળી આશરે ૧૨૦૦થી વધુ સ્પર્ધકો સહભાગી થયા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના કરાઈ ખાતે અખિલ ભારતીય પોલિસ બેન્ડ પ્રતિયોગિતાનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આ પ્રતિયોગિતામાં વિભિન્ન રાજ્યોમાંથી ૧૯ ટીમ ભાગ લઈ રહી છે. આ તમામ બેન્ડની ધૂન ભલે અલગ છે પરંતુ તેમનો સુર અને ધ્યેય એક જ છે તે છે દેશભક્તિનો.

૧૫ રાજ્યના પોલીસ વિભાગની ટીમોએ ભાગ લીધો
તેમણે ઉમેર્યું હતું કે, સૌ બહાદુર જવાનો રાત દિવસ ખડેપગે દેશની રક્ષા કરી રહ્યા છે જેના થકી આપણો દેશ અને દેશના નાગરિકો સુરક્ષિત છે.૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનમાં દેશના અલગ-અલગ ૧૫ રાજ્યના પોલીસ વિભાગની બેન્ડ ટીમો ઉપરાંત પેરા-મીલીટરીની બેન્ડ ટીમો સહભાગી થઇ છે. આ સ્પર્ધામાં મુખ્યત્વે બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ અને બ્યુગલ બેન્ડ એમ કુલ ત્રણ કેટેગરીમાં વિવિધ ટીમો સહભાગી થઈ છે. જે પૈકી બ્રાસ બેન્ડ કેટેગરીમાં પુરૂષોની ૧૭ ટીમ અને મહિલાની ૦૧ ટીમ, પાઇપ બેન્ડ કેટેગરીમાં પુરુષોની ૧૩ ટીમ અને મહિલાઓની ૦૬ ટીમ તથા બ્યુગલ કેટેગરીમાં પુરુષોની ૧૯ ટીમો આ સ્પર્ધામાં ભાગ લઇ રહી છે.

સ્પર્ધામાં કુલ ૧૨૦૦થી વધુ સ્પર્ધકો સહભાગી થયા
ચાર દિવસ સુધી ચાલનાર આ સ્પર્ધામાં કુલ ૧૨૦૦થી વધુ સ્પર્ધકો સહભાગી થયા છે. આ સ્પર્ધા દરમિયાન ત્રણેય કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ વિજેતા ટીમોના સ્પર્ધકોને પણ ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.“ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પીટીશન”ની શરૂઆત વર્ષ ૧૯૯૯માં ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા કરાવવામાં આવી હતી. ત્યારબાદ દર વર્ષે અલગ-અલગ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃગુજરાત સરકારે IT/ITeS નીતિ 2022-27 રજૂ કરી, 1 લાખથી વધુ યુવાનોને નોકરીની તક

Back to top button