કાળ ભૈરવ જયંતીઃ શિવના ઉગ્ર સ્વરૂપની કરો પૂજા, નકારાત્મકતા થશે દૂર
- શાસ્ત્રો અનુસાર કાળ ભૈરવ એ ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ છે. તેથી તેમની પૂજા કરવાથી વ્યક્તિને દરેક દુ:ખમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ સાથે કાળનો ભય પણ દૂર થાય છે.
હિન્દુ ધર્મમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કાળ ભૈરવની પૂજા કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. તેટલું જ નહીં, કાલ ભૈરવની પૂજા અર્ચના કરવાથી નકારાત્મકતા દૂર થવા લાગે છે. શાસ્ત્રો અનુસાર કાળ ભૈરવ એ ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ છે. તેથી તેમની પૂજા કરવાથી વ્યક્તિને દરેક દુ:ખમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ સાથે કાળનો ભય પણ દૂર થાય છે. વૈદિક કેલેન્ડર મુજબ, કાળ ભૈરવ જયંતિ દર વર્ષે કારતક વદ આઠમે ઉજવવામાં આવે છે. તેને કાલાષ્ટમી પણ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળ ભૈરવનો જન્મ થયો હતો. આ કારણથી તેને કાળ ભૈરવ જયંતિ કહેવામાં આવે છે.
કાળ ભૈરવની પૂજાનો દિવસ સામાન્ય રીતે મંગળવાર અને રવિવાર માનવામાં આવે છે. ઉપરાંત કાળ ભૈરવ જયંતીના દિવસે તેમની પૂજાનું વિશેષ મહાત્મ્ય છે. આ વર્ષે કાળ ભૈરવ જયંતીના દિવસે મંગળવાર આવવાથી શુભ સંયોગ રચાયો છે. આ વર્ષે કાલ ભૈરવ જયંતી 5 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. શિવ ભક્તો કાળ ભૈરવ સ્વરૂપની વિશેષ પૂજા-અર્ચના કરશે.
કાળ ભૈરવ જયંતી શા માટે ઉજવવામાં આવે છે?
મોટેભાગે દરેક પ્રકારની સિદ્ધિ માટે કાળ ભૈરવની પૂજા કરવામાં આવે છે. જે લોકો નકારાત્મક વાતો કે મૃત્યુથી ડરતા હોય છે તેમણે કાળ ભૈરવની પૂજા ખાસ કરવી જોઈએ. કાલ ભૈરવ એ ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. હિંદુ કથાઓ અનુસાર, જ્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વચ્ચે શ્રેષ્ઠ કોણ છે તે અંગે વાદ-વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે બ્રહ્માજીએ ભગવાન શિવની નિંદા કરી હતી, જેના કારણે તેઓ વધુ ગુસ્સે થયા હતા. ત્યારબાદ ભગવાન શિવની જટામાંથી કાળ ભૈરવ પ્રગટ થયા. તેમનું ઉગ્ર સ્વરૂપ જોઈને બધા ડરી ગયા અને તેમણે ભગવાન બ્રહ્માનું એક મસ્તક કાપી નાંખ્યુ, જેથી તેમના ત્રણ મસ્તક જ બચ્યા હતા.
તમામ દેવી-દેવતાઓએ કાળ ભૈરવને શાંત કર્યા અને તેઓ ફરીથી ભગવાન શિવના રૂપમાં પાછા આવી ગયા, પરંતુ તેમને બહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. આથી બ્રહ્મ હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તેઓ કાશી ગયા અને પાપમાંથી મુક્તિ મેળવી હતી. આમ કાળ ભૈરવનો કાશીમાં વાસ હોવાનું મનાય છે. કાળ ભેરવ જયંતીના દિવસે ભગવાન કાળ ભૈરવની પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય અને સફળતા મળે છે. તેમજ કુંડળીમાંથી શનિ અને રાહુ દોષ પણ દૂર થાય છે.
કાળ ભૈરવ જયંતી માટે શું છે પૂજા મુહૂર્ત?
કાલ ભૈરવ જયંતિના દિવસે પૂજા માટેનો શુભ સમય બપોરે 11.45થી 12:39 સુધીનો માનવામાં આવી રહ્યો છે. નિશિતા મુહૂર્તમાં કાળ ભૈરવની પૂજા કરવામાં આવે છે. કાલ ભૈરવ જયંતિના દિવસનો શુભ સમય અથવા સારામાં સારું મુહૂર્ત સવારે 11.51થી 12.32 સુધીનું છે.
કાલ ભૈરવ જયંતી સાથે છે આ વિશેષ યોગ
કાલ ભૈરવ જયંતી પર પ્રીતિ યોગ રચાઈ રહ્યો છે. તે બીજા દિવસે એટલે કે 6 ડિસેમ્બરે રાત્રે 10.42થી 11.30 વાગ્યા સુધીનો છે. કાલ ભૈરવની નિશિતા પૂજા સમયે પ્રીતિ યોગ રચાઇ રહ્યો છે. તે પહેલા સવારથી વિષ્કંભ યોગ પણ રચાઇ રહ્યો છે. સાથે જ કાળ ભૈરવ જયંતી પર પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો યોગ પણ બની રહ્યો છે.
આ પણ વાંચોઃ કીર્તિદાન ગઢવી, અનિરૂદ્ધ આહિર સહિત ટોચના કલાકારોએ શામળાજી મહોત્સવમાં કરી જમાવટ