ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુ-આંધ્રમાં વાવાઝોડાની અસરથી ચારેબાજુ તારાજી, 5 ડિસેમ્બરે ત્રાટકશે ‘માઈચોંગ’

ચેન્નઈ/નવી દિલ્હી, 04 ડિસેમ્બર: માઈચોંગ  વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતમાં પરિસ્થિતિ વણસી રહી છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તમિલનાડુના ચેન્નઈ સહિત કેટલાક વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ છે. ચારેબાજુ ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. આવતીકાલે એટલે 5 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાની આસપાસ આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે વાવાઝોડું માઈચોંગ ત્રાટકી શકે છે. હવામાન વિભાગે 90 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે.

તમિલનાડુમાં દિવાલ ધરાશાયી થવાથી બે લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે.સ હવામાન વિભાગે દરિયાકાંઠાના રાજ્યો જેમ કે, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરી અને તેલંગાણામાં 5 ડિસેમ્બર માટે રેડ એલર્ટ જારી કર્યું છે. જ્યારે ઓડિશા માટે ઑરેન્જ એલર્ટ જારી કર્યું છે. હાલ આ રાજ્યોમાં ભારે વરસાદની કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. SDRF અને NDRFની ટીમો તૈનાત છે. તેમજ જે વિસ્તાર પાણીમાં ડૂબ્યા છે ત્યાંથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, અત્યાર સુધી 204 ટ્રેન અને 70 ફ્લાઈટ્સ રદ કરાઈ છે.

રાજ્યમાં રાહત શિબિર કેન્દ્ર શરૂ કરાયા- આંધ્રના CM

ચક્રવાત મેઈચોંગને લઈ દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આંધ્રપ્રદેશ સરકારે બચાવ કામગીરી માટે તાત્કાલિક ધોરણે પગલાં લીધા છે. સીએમ વાયએસ જગનમોહન રેડ્ડીએ મેઈચોંગ વાવાઝોડાની તૈયારી અંગે કહ્યુ કે, રાજ્યના 8 જિલ્લામાં 181 રાહત શિબિર કેન્દ્રો શરૂ કરાયા છે. તેમણે એમ પણ કહ્યું કે, વાવાઝોડું માઈચોંગ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાને વધુ અસર કરે તેવી શક્યતા છે.

ચેન્નઈ એરપોર્ટનો રન-વે બંધ કરી દેવાયો

ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની અંદર સર્વત્ર પાણી છે. જેના કારણે રનવે સોમવારે પાણી ભરાઈ જવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં 70 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. બહારથી આવતી ફ્લાઈટને બેંગલુરુ ડાયવર્ટ કરાઈ રહી છે. એરપોર્ટની અંદરનું આ દ્રશ્ય જોઈને જ લાગે છે કે વરસાદની ગતિ કેટલી હશે. અંદર પાર્ક કરેલી બસો પાણીમાં છે જ્યારે પ્લેનના પૈડા પણ પાણીમાં ડૂબી ગયા છે.

ભારતીય સેનાની ટુકડીએ બચાવ કામગીરી હાથ ધરી

તમિલનાડુના ચેન્નઈમાં આવેલા મુગાલિવક્કમ અને મનપક્કમ વિસ્તારમાં વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે સ્થિતિ ખરાબ બની છે. ભારે વરસાદ બાદ પાણી ભરાવાના લીધે સ્થાનિકો ફસાયા છે જેમને બચાવવા માટે ભારતીય સેનાની 12 મદ્રાસ ટુકડીએ બચાવ કામગીરી હાથ ધરી છે. તેમજ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ કરી રહી છે.

IMDએ કહ્યું કે હાલમાં તોફાન માઈચોંગ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છે. તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 4 ડિસેમ્બરની સાંજ સુધી દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે થઈને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: વાવાઝોડાને લઈ કેન્દ્ર એલર્ટ: તમિલનાડુ-આંધ્રપ્રદેશમાં શાળાઓ બંધ, 144 ટ્રેનો રદ કરાઈ

Back to top button