અમદાવાદ, 4 ડિસેમ્બર 2023, શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આખરે 20 વર્ષ બાદ વસ્ત્રાપુર તળાવનું રિડેવલપમેન્ટ કરશે. આ માટેની દરખાસ્ત વોટર સપ્લાય અને સુઅરેજ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. 5.15 કરોડના ખર્ચે તળાવનું રિડેવલપમેન્ટ કરાશે. હવેથી આ તળાવ બારે મહિના પાણીથી ભરાયેલુ રહે તેવું આયોજન કરાશે એવું સત્તાધિશોનું કહેવું છે. તળાવ પાસે વોક-વે થી લઈ અન્ય સુવિધાઓ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
ઊંદરોને કારણે તળાવના અનેક ભાગને મોટુ નુકસાન થયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોટર સપ્લાય અને સુઅરેજ કમિટીની આજે બેઠક મળવાની છે. જેમાં વસ્ત્રાપુર તળાવને 5.15 કરોડના ખર્ચે રિડેવલપ કરવાની દરખાસ્ત મુકાશે. ઔડા દ્વારા 2003માં આ તળાવનો વિકાસ કરાયો હતો. પરંતુ આજે આ તળાવની હાલત વેરાન બની ગઈ છે. અધિકારીઓ એવું કહે છે કે, ઊંદરોને કારણે તળાવના અનેક ભાગને મોટુ નુકસાન થયું હતું. ઉંદરોએ તળાવના વોક વે તથા દીવાલોને કોતરી ખાધી હતી. જેના કારણે વારંવાર દીવાલ ધસી પડવી અથવા તો મોટા ખાડા પડવાની ઘટના બનતી હતી.
ઊબડખાબડ થઈ ગયેલો વોક-વે ફરીથી બનાવાશે
હવે તળાવના રિડેવલપમેન્ટમાં ઉંદરો દ્વારા દીવાલ અને વોક વેને કોઈ નુકસાન થાય નહીં તેનું ધ્યાન રાખીને કામગીરી કરાશે. અત્યારે વસ્ત્રાપુર તળાવમાં પાણી ભરાંતા જ તે જમીનમાં ઉતરી જાય છે. ત્યારે તેને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. જેથી તેમાં પાણી ટકી રહે. હાલ ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે જે વ્યવસ્થા કરાઈ છે તેમાં કેટલુક મોડિફીકેશન કરવામાં આવશે જેથી 70 ટકા પાણી તેમાં ભરાઇ રહે. ઊબડખાબડ થઈ ગયેલો વોક-વે ફરીથી બનાવવામાં આવશે. તેમજ ઉંદરોનો ત્રાસ ન રહે તે રીતે બનાવાશે જેથી વારા ઘડીએ ખાડા ન પડે. અત્યારે પણ બેસવા માટે 6 ગજેબા છે. જે જર્જરિત થયેલા છે. તે તમામને ફરીથી આકર્ષક બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં રોડ ઉપર ઉભેલી ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, અકસ્માતમાં બે લોકોના મૃત્યુ