- 9 જિલ્લાના 42 તાલુકામાં માવઠાનો વરસાદ વરસ્યો
- મધ્ય અને દ.ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી
- સૌરાષ્ટ્રમાં વરસાદથી કપાસના પાકમાં સૌથી વધુ નુકસાન થયુ
ગુજરાતમાં સતત બીજા સપ્તાહે પણ કમોસમી વરસાદ છે. તેમાં અડધો ઈંચથી લઈ સવા ઈંચ સુધી વરસાદ રાજ્યના વિવિધ વિસ્તારમાં ખાબક્યો છે. જેમાં 24 કલાકમાં સૌથી વધુ મહીસાગરમાં સવા ઈંચ વરસાદ થયો છે. તેમજ મધ્ય અને દ.ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી છે.
9 જિલ્લાના 42 તાલુકામાં માવઠાનો વરસાદ વરસ્યો
9 જિલ્લાના 42 તાલુકામાં માવઠાનો વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં મધ્ય અને દ.ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી છે. તેમજ આજે ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી સાથે સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, ભરુચમાં પણ વરસાદની શક્યતા છે. માવઠાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તથા વરસાદી માહોલ અને પવનના કારણે તાપમાનમાં 3 ડિગ્રી ઘટાડો થયો છે. જેમાં નલિયામાં 14 ડિગ્રી, ભૂજમાં 16 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 19 ડિગ્રી, રાજકોટ અને વેરાવળમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનની શક્યતા છે.
ગોધરા, શહેરા અને ઘોંઘબામાં 1 મીમીથી અડધા ઈંચ જેટલો વરસાદ
ખેડાના ગળતેશ્વર, ઠાસરા અને મહુધામાં 1 મીમીથી 19 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલના મોરવા હડફ, કાલોલ, ગોધરા, શહેરા અને ઘોંઘબામાં 1 મીમીથી અડધા ઈંચ જેટલો વરસાદ રહ્યો હતો. આ સિવાય ભરૂચ અને આણંદ જિલ્લાના વિવિધ તાલુકામાં પણ ઝાપટાં પડયાં હતાં. ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠાના વિજયનગર, ખેડબ્રહ્મા, ઈડર, તલોદ, હિંમતનગર અને વડાલીમાં 1 મીમીથી અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લાનાં માલપુર, મેઘરજ, ભિલોડા, મોડાસા અને ધનસુરા તાલુકામાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્રમાં વરસાદથી કપાસના પાકમાં સૌથી વધુ નુકસાન થયુ
ઘઉં, એરંડો, વરિયાળી, મગ, બાજરી, બટાટામાં નુકસાન થયુ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદથી કપાસના પાકમાં સૌથી વધુ નુકસાન થયુ છે. સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા વરસાદી આંકડા મુજબ સૌથી વધુ વરસાદી માહોલ મધ્ય ગુજરાતમાં જોવા મળ્યો છે. મહિસાગર જિલ્લાની વાત કરીએ તો, બાલાસિનોર, લુણાવાડા, કડાણા, વીરપુર, ખાનપુર, સંતરામપુરા તાલુકામાં 2 મીમીથી લઈને સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય ભરૂચ જિલ્લાનાં ભરૂચ તાલુકામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અકલેશ્વર, વાગરા અને અમોદમાં 1 મીમીથી 9 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો.