રાજસ્થાન ચૂંટણી 2023: ગેહલોતનો જાદુ ચાલ્યો નહી, ભાજપની જીતના કારણો
- મોદી મેજિકની સરખામણીમાં અશોક ગેહલોતનો જાદુ ચાલ્યો નહીં
- 25 વર્ષથી રાજસ્થાનની પરંપરા રહી છે કે દરેક ચૂંટણીમાં સત્તા બદલાય છે
- ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલે આનંદ વ્યક્ત કર્યો
જયપુર, 03 ડિસેમ્બર: રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. રાજ્યમાં સત્તા પરિવર્તનની પરંપરા આ વખતે પણ જળવાઈ રહે તેવું જણાઈ રહ્યું છે. રાજસ્થાનમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવાની શક્યતા છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં કોંગ્રેસને 42 ટકા વોટ મળ્યા છે. જ્યારે ભાજપને 49 ટકા વોટ મળ્યા છે. અહીં ભાજપ 115 સીટો પર અને કોંગ્રેસ 72 સીટો પર આગળ છે.
રાજ્યની મહત્વની બેઠકો
સરદારપુરા: રાજ્યની સરદારપુરા બેઠક મહત્વની છે. જોધપુરની આ બેઠક પરથી મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેમની વિરૂધ્ધ મહેન્દ્રસિંહ રાઠોડને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.
ઝાલરાપાટન: ઝાલાવાડ જિલ્લો વસુંધરા રાજે સિંધિયાનો ગઢ કહેવાય છે. તેઓ ભાજપની ટિકીટ પર ઝાલરાપાટન વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે રામલાલ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. વસુંધરા 2003થી સતત ઝાલરાપાટનથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે અને જીતતા રહ્યા છે. તે સાંસદ પણ રહી ચૂક્યા છે. આ વખતે પણ તેમની જીત થઈ છે.
ટોંક સીટઃ ટોંક સીટ ફરી એકવાર સમાચારોમાં છે કારણ કે સચિન પાયલટ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે અને બીજેપી તરફથી અજીત સિંહ મહેતા તેમને પડકાર આપી રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસ આગળ છે.
વિદ્યાધર નગર: જયપુરની વિદ્યાધર નગર સીટ ભાજપ પાસે છે. ભાજપે ધારાસભ્યની ટિકિટ રદ કરી અને જયપુરના પૂર્વ રાજવી પરિવાર સાથે જોડાયેલા સાંસદ દિયા કુમારીને મેદાનમાં ઉતાર્યા અને તેનો નિર્ણય યોગ્ય હતો. દિયા કુમારી જંગી માર્જિનથી જીત્યા છે. કોંગ્રેસ અહીં સતત ચાર ચૂંટણી હારી છે.
જોતવાડા: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે જયપુરની હાઈપ્રોફાઈલ સીટ જોતવાડાથી ચૂંટણી જીતી છે. તેમણે કોંગ્રેસના લાલચંદ કટારિયાને હરાવ્યા હતા.
સિવિલ લાઈન્સ: કોંગ્રેસ તરફથી પ્રતાપ સિંહ ખાચરીયાવાસ સિવિલ લાઈન્સ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ભાજપે ગોપાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. પ્રતાપ સિંહ ખાચરિયાવાસ અહીંથી ધારાસભ્ય છે. આ બેઠક પર ભાજપ આગળ છે.
તિજારા: ભાજપે અહીંથી સાંસદ યોગી બાબા બાલકનાથને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે તેમની સામે ઈમરાન ખાનને ટિકિટ આપી છે. આ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે. આ બેઠક પર ભાજપ આગળ છે.
સવાઈ માધોપુર : કોંગ્રેસના ધારાસભ્ય દાનિશ અબરાર સવાઈ માધોપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ભાજપે સાંસદ કિરોરી લાલ મીણાને ટિકિટ આપી છે. આ બેઠક પર ભાજપ આગળ છે.
ઉદયપુર : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભ ઉદયપુર જિલ્લાની ઉદયપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જેમની સામે ભાજપે તારાચંદ જૈનને મેદાનમાં ઉતાર્યા છે.આ બેઠક પર ભાજપે જીત મેળવી છે.
રાજસ્થાનમાં કોંગ્રેસની હાર અને ભાજપની જીતના કારણો
રાજસ્થાનમાં ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, અત્યાર સુધીના વલણો અનુસાર કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકી રહી છે અને રાજસ્થાનમાં ભાજપનું પુનરાગમન થતું જોવા મળી રહ્યું છે, છેલ્લા 25 વર્ષથી ચાલી આવતી પરંપરા આ વખતે પણ બદલાઈ નથી અને કોંગ્રેસ બાદ ફરી એકવાર ભાજપની સરકાર બનશે તેવું લાગી રહ્યું છે. હાલમાં જે વલણો જોવા મળી રહ્યા છે તેમાં ભાજપ આગળ દેખાઈ રહી છે અને તેને બહુમતી મળતી દેખાઈ રહી છે. રાજસ્થાનમાં આ વખતે 200માંથી 199 બેઠકો માટે મતદાન થયું હતું, જે મુજબ બહુમત માટે 100 બેઠકો જરૂરી છે. કોંગ્રેસ આ જાદુઈ આંકડાથી ઘણી પાછળ રહી ગઈ છે અને અશોક ગેહલોતનો જાદુ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.
- મોદી મેજિકની સરખામણીમાં અશોક ગેહલોતનો જાદુ ચાલ્યો નહીં
રાજસ્થાન ચૂંટણીમાં ભાજપે પીએમ મોદીનો ચહેરો આગળ રાખ્યો છે. ભાજપે પીએમના ચહેરા દ્વારા ચૂંટણી લડી અને સીએમના નામની જાહેરાત ન કરી, પીએમએ પોતે 15 રેલીઓ કરી, બિકાનેર અને જયપુરમાં રોડ શો પણ કર્યા.પ્રચાર દરમિયાન પીએમએ ગહેલોત સરકાર પર ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણના આરોપ લગાવીને ઘેર્યા હતા.
- ભાજપે હિન્દુત્વનું કાર્ડ ફરી ખેલ્યું
200 વિધાનસભા બેઠકો ધરાવતા રાજસ્થાનમાં ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. 2018ની ચૂંટણીમાં ભાજપે ટોંકથી સચિન પાયલટ સામે યુનુસ ખાનને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ આ વખતે તેમની ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી. ભાજપે પણ ત્રણ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર સંતોને મેદાનમાં ઉતાર્યા છે. જયપુરની હવા મહેલ બેઠક પરથી સંત બાલ મુકુંદ આચાર્યને ટિકિટ આપી, જ્યારે અલવરની તિજારા બેઠક પરથી બાબા બાલકનાથને ટિકિટ આપી હતી. બાલકનાથ પોતાને રાજસ્થાનના યોગી કહે છે. ખુદ સીએમ યોગી પણ તેમના પ્રચાર માટે તિજારા પહોંચ્યા હતા. ભાજપે પોખરણ સીટ પરથી મહંત પ્રતાપપુરીને ટિકિટ આપી હતી.
- લાલ ડાયરી પર કોંગ્રેસને ઘેરી
ભાજપે આ ચૂંટણીમાં લાલ ડાયરીને મોટો મુદ્દો બનાવ્યો હતો. કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા પીએમ મોદીએ પોતાની ચૂંટણી સભાઓમાં લાલ ડાયરીનો ઉલ્લેખ કર્યો હતો. જુલાઈ મહિનામાં અશોક ગેહલોત સરકારના બરતરફ મંત્રી રાજેન્દ્ર ગુડા લાલ ડાયરી લઈને વિધાનસભા પહોંચ્યા હતા અને ગેહલોત સરકાર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. જે બાદ ભાજપને મોટો મુદ્દો મળ્યો અને ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
- રિવાજ બદલાયો નથી
1998થી એટલે કે છેલ્લા 25 વર્ષથી રાજસ્થાનની પરંપરા રહી છે કે દરેક ચૂંટણીમાં સત્તા બદલાય છે. આટલા વર્ષોમાં માત્ર બે જ મુખ્યમંત્રી રહ્યા છે, કોંગ્રેસમાંથી અશોક ગેહલોત અને ભાજપમાંથી વસુંધરા રાજે. આ બંને મુખ્યમંત્રી એક પછી એક મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા છે.
- કન્હૈયાલાલ હત્યા કેસનો મુદ્દો
રાજસ્થાન ચૂંટણીમાં ભાજપે પણ કન્હૈયાલાલ હત્યા કેસનો મુદ્દો જોર શોરથી ઉઠાવ્યો હતો. આ બહાને ભાજપે ફરી એકવાર કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવીને તેને ઘેરવાનો પ્રયાસ કર્યો. ખુદ પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની એક રેલી દરમિયાન કન્હૈયા લાલની હત્યાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, કોંગ્રેસ રાજસ્થાનની પરંપરાને જોખમમાં મૂકી રહી છે. કૉંગ્રેસના શાસનમાં કૅમેરાની સામે શું થયું તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય, એ હત્યા કૉંગ્રેસ સરકાર પર એક મોટો ડાઘ છે. પીએમ મોદી સિવાય ગૃહમંત્રી અમિત શાહે પોતે પોતાની રેલીઓમાં ઘણી વખત કન્હૈયા હત્યા કેસનો ઉલ્લેખ કર્યો હતો.
- ભાજપે પેપર લીકના મુદ્દે કોંગ્રેસને ઘેરી
પેપર લીકના મુદ્દે પણ રાજસ્થાન સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. સચિન પાયલોટે પોતે પણ ચૂંટણી પહેલા પોતાની સરકારને ઘેરી હતી અને રાજસ્થાનમાં ભરતી પરીક્ષાઓના પેપર લીકની તપાસની માંગ કરી હતી. છેલ્લા ઘણા વર્ષોમાં અનેક પરીક્ષાના પેપર લીક થયા છે, જેના કારણે રાજ્યના લાખો બેરોજગારો પરેશાની ભોગવી રહ્યા છે. ભાજપે ચૂંટણીમાં આ મુદ્દો ઘણો ઉઠાવ્યો અને સરકારને ભીંસમાં લીધી હતી.
ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલે આનંદ વ્યક્ત કર્યો
ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ અને હાલમાં બીજેપી રાજસ્થાનના સહ પ્રભારી નિતીન પટેલે કહ્યું હતું કે, રાજસ્થાનની જનતાએ કોંગ્રેસની ભ્રષ્ટ સરકારને હટાવવા માટે ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને મને આનંદ છે કે રાજસ્થાનની જનતા અને કાર્યકરોએ અમારી સરકાર બનાવી છે. હવે ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ અમારી સરકાર કામ કરશે અને રાજસ્થાનનો વિકાસ થશે.
#WATCH अहमदाबाद (गुजरात): बीजेपी राजस्थान के सह प्रभारी नितिन पटेल ने कहा, “कांग्रेस की भ्रष्ट सरकार को निकालने के लिए राजस्थान की जनता ने बीजेपी को संपूर्ण समर्थन दिया है और मुझे खुशी है कि राजस्थान की जनता, कार्यकार्ताओं ने हमारी सरकार बनाई है अब गुजरात की तरह ही राजस्थान में… pic.twitter.com/NEZPr5pMeD
— ANI_HindiNews (@AHindinews) December 3, 2023
આ પણ વાંચો, સનાતન ધર્મનો વિરોધ કરવાથી કોંગ્રેસ ડૂબી : કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ