CM ભુપેન્દ્ર પટેલના હસ્તે હાસ્ય લેખક વિનોદ ભટ્ટને મરણોત્તર વજુ કોટક સુવર્ણ ચંદ્રક એનાયત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે હાસ્ય લેખનથી માત્ર ગુજરાત નહીં પણ વિશ્વભરમાં વસતા લાખો ચાહકોના હૃદય પર રાજ કરનાર લોકલાડીલા હાસ્ય લેખક વિનોદ ભટ્ટને મરણોતર વજુ કોટક સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ગુજરાતના અગ્રણી સામાયિક ચિત્રલેખા દ્વારા સ્વર્ગસ્થ વિનોદ ભટ્ટના પુત્ર સ્નેહલ ભટ્ટે આ સન્માન સ્વીકાર્યુ હતુ.
લેખક વિનોદ ભટ્ટને વજુ કોટક સુવર્ણચંદ્રક
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘણી, મંત્રી બ્રિજેશ મેરજા, મંત્રી કુબેરભાઈ ડીંડોર અને સાંસદ પરિમલ નાથવાણીની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું કે વિનોદ ભટ્ટ જેવા સમર્થ લેખકને મરણોત્તર વજુ કોટક સુવર્ણ પદક એનાયત થવો માત્ર વિનોદ ભટ્ટ પરિવાર જ નહીં સમગ્ર ગુજરાત માટે આનંદનો અવસર છે. આ એવોર્ડ આપવાનો અવસર મને પ્રાપ્ત થયો એ મારા માટે પણ ગૌરવની વાત છે…
સીએમ ભુપેન્દ્ર પટેલે ચિત્રલેખા ટીમને પાઠવ્યા અભિનંદન
7 દાયકાથી ચિત્રલેખા દરેક ઘરમાં પહોંચતું સામાયિક છે એ બદલ સમગ્ર ચિત્રલેખા ટીમને અભિનંદન પાઠવું છું. પોતાના તરફથી પત્રકારત્વ અને સાહિત્યમાં સુવર્ણપદક આપવાની શરૂઆત કરનાર ચિત્રલેખા એ પહેલું સામાયિક છે. સ્વર્ગસ્થ હાસ્ય લેખક વિનોદ ભટ્ટ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કેવિનોદ ભટ્ટ એટલે હાસ્યનો પર્યાય અને ચિત્રલેખા એટલે ગુજરાતીઓની પોતિકી ઓળખ વિનોદ ભટે ગુજરાતીઓને દાયકાઓ સુધી હસાવ્યા અને ચિત્રલેખાએ પત્રકારત્વ થકી જ્ઞાન પીરસ્યું. મને ખાતરી છે કે આજે સ્વર્ગમાં પણ વિનોદ ભટ્ટ ચિત્રગુપ્ત ને હસાવતા હશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આપણે સૌ ગૌરવ લઈ શકીએ કારણ કે ચિત્રલેખા એકમાત્ર એવું સામાયિક છે કે જેની કોલમમાંથી સુપ્રસિદ્ધ ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બની. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોલમ પ્રસિદ્ધ કરવા બદલ પણ તેમણે ચિત્રલેખાને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે ઉપસ્થિત શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘણીએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિનોદભાઈ ભટ્ટને વજુ કોટક સુવર્ણ ચંદ્રક આપવાનો કાર્યક્રમ ઐતિહાસિક કહી શકાય. આપણે સૌએ સાથે મળીને વિનોદભાઇના સંસ્મરણો વાગોળ્યા છે.