તેલંગાણામાં આજે મતગણતરી: BRS ટકાવી રાખશે પોતાની સત્તા કે કોંગ્રેસ બાજી મારશે ?
તેલંગાણા, 3 ડિસેમ્બર 2023: તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીનું મતદાન 30 નવેમ્બરે પૂર્ણ થયું હતું, ત્યારે આજે તેલંગાણા સહિત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ છે. દરેક મતદાર ચૂંટણી પરિણામની રાહ જોઈ રહ્યા છે. મતગણતરી 8 વાગે ચાલુ થશે. ત્યારે હવે દરેકની નજર ચૂંટણી પરીણામ પર રહી છે. ચાલો જાણીએ તેલંગાણા વિધાનસભામાં કોણ બાજી મારે છે.
ચૂંટણી પંચે મતગણતરી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. રાજ્યની 119 વિધાનસભા બેઠકો માટે થોડી વારમાં મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ જશે. આજના દિવસે 2290 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થવાનો છે. હવે જોવાનું એ રહેશે કે કઈ પાર્ટી બાજી મારે છે અને કઈ પાર્ટી ઘર ભેગી થાય છે.
2,290 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
તેલંગાણાની આ ચૂંટણીમાં 2,290 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. BRSએ તમામ 119 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. તે જ સમયે, ભાજપ અને પવન કલ્યાણની જનસેના ગઠબંધન કરીને ચૂંટણી લડી છે. ભાજપ 111 અને જનસેના 8 બેઠકો પર ચૂંટણી લડી છે. બીજી બાજુ કોંગ્રેસ પણ 118 સીટો પર ચૂંટણી લડી છે. તેમણે તેમના સહયોગી CPIને એક સીટ આપી હતી. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીએ 9 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
તેલંગાણામાં 63.94% મતદાન થયું હતું
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કુલ મતદારો 3.17 કરોડ હતા. જેમાં 1 કરોડ 58 લાખ 43 હજાર મહિલા, 1 કરોડ 58 લાખ 71 હજાર પુરુષ હતા. ત્યારે તેલંગાણામાં મતદાન તારીખે 63.94% મતદાન થયું હતું. તેલંગાણામાં પ્રજા કોને જીતાડશે ચાલો એક નજર એક્ઝિટ પોલ પર કરીએ.
શું કહે છે એક્ઝિટ પોલ, કોણ મારે છે બાજી ?
વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના ડેટા બે દિવસ પહેલાં જ સામે આવ્યા હતા, જેમાંથી ટુ઼ડેજ ચાણક્યના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે BRSને 119 બેઠકમાંથી 24થી 42 બેઠક મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 62થી 80 બેઠક મળી શકે છે. જો BJPની વાત કરવામાં આવે તો તે 2થી 12 બેઠક જીતી શકે છે. આ ઉપરાંત પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ જોઈએતો BRSને 48થી 58 બેઠક મળી રહી છે. જ્યારે કોંગ્રેસને 49થી 56 બેઠક મળી રહી છે. BJPને 5થી 10 બેઠક મળી રહી છે. આમ જો એક્ઝિટ પોલ અનુસાર તેલંગાણામાં કોંગ્રેસ આગળ છે. ચૂંટણી પંચે મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રવિવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવશે. આ પછી, તમામ પક્ષોના પ્રતિનિધિઓની સામે ઇવીએમથી મતોની ગણતરી શરૂ થશે.
સટ્ટા બજારના એક્ઝિટ પોલ
તેલંગાણામાં સૌથી જૂની સત્તાધારી પાર્ટી BRS સાથે ગળાકાપ સ્પર્ધા રહેવાની ધારણા છે. જેમાં બંને પક્ષ 53-53 બેઠક મેળવે તેવો અંદાજ છે. તેલંગાણામાં 119 સભ્યોનું વિધાનસભા ગૃહ છે અને રાજ્યમાં સરકાર બનાવવા માટે પાર્ટીને 60 બેઠકોની જરૂર છે. જો આ ધારણા સાચી પડે તો તે મુખ્યમંત્રી અને BRS વડા કે. ચંદ્રશેખર રાવ માટે મોટો ફટકો હશે, કારણ કે તેઓ 2014થી રાજ્ય પર શાસન કરી રહ્યા છે.
2018 વિધાનસભા ચૂંટણીનું પરિણામ શું આવ્યું હતું ?
2018ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી KCRની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) એ 88 બેઠકો જીતી હતી. જોકે, હવે TRSનું નામ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) થઈ ગયું છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને 19, TCPને 2, ભાજપને 1, AIMIMને 7 અને અપક્ષને 1 બેઠક મળી હતી.
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશ સહિત 4 મોટા રાજ્યોમાં ફેક કરન્સી મામલે NIAના દરોડા