વાયુ પ્રદૂષણથી ભારતમાં દર વર્ષે 20 લાખ લોકોના મૃત્યુઃ શું કહે છે અભ્યાસ?
- દર વર્ષે દુનિયાભરમાં 5.1 મિલિયન એટલે કે 51 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. જેમાં ચીન પ્રથમ સ્થાને અને ભારત બીજા સ્થાને છે. તેનો અર્થ એ છે કે વાયુ પ્રદૂષણને કારણે સૌથી વધુ મૃત્યુ ચીનમાં થાય છે, જ્યારે આ યાદીમાં ભારત બીજા ક્રમે છે
વાયુ પ્રદૂષણ વિશ્વ માટે એક ગંભીર સમસ્યા તરીકે ઉભરી રહ્યું છે. ધ બ્રિટિશ મેડિકલ જર્નલ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સંશોધનમાં બહાર આવ્યું છે કે ભારતમાં દર વર્ષે 20 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. દર વર્ષે વાયુ પ્રદૂષણ વિશ્વની સામે એક ગંભીર સમસ્યા બની રહ્યું છે. આ જ રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે દર વર્ષે દુનિયાભરમાં 5.1 મિલિયન એટલે કે 51 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. જેમાં ચીન પ્રથમ સ્થાને અને ભારત બીજા સ્થાને છે. તેનો અર્થ એ છે કે વાયુ પ્રદૂષણને કારણે સૌથી વધુ મૃત્યુ ચીનમાં થાય છે, જ્યારે આ યાદીમાં ભારત બીજા ક્રમે છે. સંશોધનમાં, વાયુ પ્રદૂષણના મુખ્ય કારણોમાં ઉદ્યોગ, વીજ ઉત્પાદન અને વાહનોમાં અશ્મિભૂત ઇંધણના ઉપયોગને ગણવામાં આવ્યા છે.
કેવી રીતે પ્રદૂષિત હવા લોકોને મારી રહી છે?
આ સંશોધનના પરિણામો દર્શાવે છે કે 2019માં વિશ્વભરમાં 83 લાખ લોકોના મૃત્યુ હવામાં રહેલા પાર્ટિક્યુલેટ મેટર (PM 2.5) અને ઓઝોન ના કારણે થયા હતા. જેમાંથી 61 ટકા મૃત્યુ અશ્મિભૂત ઇંધણને કારણે થયા છે. વાયુ પ્રદૂષણને કારણે થતા મૃત્યુની આ મહત્તમ ટકાવારી છે જેને કેટલાક પ્રયાસોથી અટકાવી શકાય છે.
વાયુ પ્રદૂષણના કારણે સૌથી વધુ મૃત્યુ દક્ષિણ અને પૂર્વ એશિયામાં થયા છે. જો ચીન પર નજર કરીએ તો દર વર્ષે તેનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 24.50 લાખ છે. આ યાદીમાં બીજા સ્થાને ભારતનો આ આંકડો 20 લાખ છે. તેમાંથી 30 ટકા લોકો હૃદય રોગથી, 16 ટકા સ્ટ્રોકથી, 16 ટકા ફેફસાના રોગથી અને 6 ટકા ડાયાબિટીસને કારણે મૃત્યુ પામ્યા હતા. ડોકટરોના જણાવ્યા અનુસાર, પાર્ટિક્યુલેટ મેટર , નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા પ્રદૂષકો લોકો માટે ગંભીર શ્વસન અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઊભું કરે છે. આ પ્રદૂષકોના લાંબા સમય સુધીના સંપર્કમાં રહેવાથી મૃત્યુ દર વધે છે.
વાયુ પ્રદૂષણથી થતા રોગો
હવાનું પ્રદૂષણ ધીમે ધીમે લોકોના જીવનમાં ઝેરની જેમ પ્રવેશી રહ્યું છે અને અનેક રોગોનું કારણ બની રહ્યું છે. જેના કારણે સામાન્ય લોકોને માઠી અસર થઈ રહી છે. વાયુ પ્રદૂષણથી થતા રોગો પર નજર કરીએ તો તેનાથી હૃદયરોગ, કેન્સર, મગજના રોગો, જઠરની બીમારીઓ, કિડનીના રોગો, લીવરના રોગો, ચામડીના રોગો, અસ્થમા, બ્રોંકાઈટિસ, ફેફસામાં અવરોધ વગેરે જેવા રોગો થઈ શકે છે. આ ઉપરાંત, હવાની ખૂબ જ નબળી ગુણવત્તાને કારણે, લોકોને સામાન્ય રીતે શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
દિલ્હી સૌથી પ્રદુષિત શહેર
ભારતની રાજધાની દિલ્હી હવાની ગુણવત્તાની દ્રષ્ટિએ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં પ્રથમ ક્રમે છે. જ્યાં ઘણી વખત એક્યુઆઈ 999 સુધી પહોંચે છે. અહીં મોટે ભાગે એર ક્વોલિટી ઈન્ડેક્સ 500 ની આસપાસ નોંધાય છે. અહીં શિયાળામાં લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સિવાય દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં પાકિસ્તાનનું લાહોર બીજા ક્રમે અને ભારતનું કોલકાતા ત્રીજા ક્રમે આવે છે.
આ પણ વાંચોઃ સંસદના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક યોજાઈ, સરકારે કહ્યું, ‘અમે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ’