સ્પોટ ફિક્સિંગ બદલ પ્રતિબંધિત થયેલા સલમાન બટ્ટનો પાક. ક્રિકેટ બોર્ડ સમિતિમાં સમાવેશ કરાયો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી વર્ષે ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી પહેલા રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં ભૂતપૂર્વ કેપ્ટન સલમાન બટ્ટનો સમાવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આઈસીસીએ સ્પોટ ફિક્સિંગ માટે સલમાન પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી આ ખેલાડીએ 2016માં ક્રિકેટમાં સફળ વાપસી કરી હતી. 39 વર્ષીય સલમાનની સાથે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલ અને રાવ ઈફ્તિખાર અંજુમને મુખ્ય પસંદગીકારના સલાહકાર સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઝડપી બોલર વહાબ રિયાઝને મુખ્ય પસંદગીકાર બનાવ્યો છે.
2016 માં વાપસી બાદ નેશનલ ટીમમાં સ્થાન ન મળ્યું
ઓગસ્ટ 2010માં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ દરમિયાન સ્પોટ ફિક્સિંગમાં તેની ભૂમિકા બદલ બટ્ટને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. 2016 માં ક્રિકેટમાં પાછા ફર્યા પછી બટ્ટે ઘરેલું સ્પર્ધાઓમાં બેટ્સમેન અને કેપ્ટન તરીકે ઘણી સફળતા મેળવી હતી, પરંતુ તેને ફરીથી ક્યારેય રાષ્ટ્રીય ટીમ માટે ગણવામાં આવ્યો ન હતો. જોકે, ફિક્સિંગમાં તેને સાથ આપનાર મોહમ્મદ આમિરને 2016માં પાકિસ્તાનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
અનેક મેચમાં ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું
બટ્ટ, કામરાન, મુખ્ય પસંદગીકાર વહાબ રિયાઝ અને ભૂતપૂર્વ ટેસ્ટ ફાસ્ટ બોલર અંજુમ ત્રણેય પાકિસ્તાની ટીમના ડિરેક્ટર મુહમ્મદ હાફીઝ સાથે પાકિસ્તાન ટીમમાં સાથે રમ્યા હતા. કામરાને 15 વર્ષની કારકિર્દીમાં 53 ટેસ્ટ, 157 ODI અને 58 T20 મેચ રમી હતી, જ્યારે બટ્ટે 33 ટેસ્ટ, 78 ODI અને 24 T20 મેચો અને અંજુમે 2004 થી 2010 દરમિયાન એક ટેસ્ટ, 62 ODI અને બે T20 મેચ રમી હતી.