જામનગરમાં સ્કૂલમાં સાથે ભણતા બે મિત્રોએ જ મિત્રનું અપહરણ કરીને હત્યા કરી નાંખી
જામનગર, 1 ડિસેમ્બરઃ શહેરમાં ગઈકાલે એક સગીરનું અપહરણ થયાની ઘટના બની હતી. ત્યારે આજે હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં ફલિત થયું છે. પોલીસને તેનો મૃતદેહ સુવરડા ગામની સીમમાંથી મળી આવ્યો છે. આ ઘટનામાં પોલીસે મૃતકના બે મિત્રોની અટકાયત કરી લીધી છે. આરોપીઓએ કિશોરનું ઘર પાસેથી જ અપહરણ કરીને તેને ગળે ટૂંપો અને ઈન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગઈકાલે અપહરણ કરાયેલ સગીરનો મૃતદેહ મળ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતો અને ધોરણ 11માં અભ્યાસ કરતો સગીર ગઈકાલે સવારે સ્કૂલે જવા નીકળ્યો હતો. સ્કૂલે ગયા બાદ સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેના માતા પિતાએ શોધખોળ હાથ ધરી હતી તેમ છતાં કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ કરી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. સગીરના ઘર પાસેના સીસીટીવી ચેક કરતા તે તેના મિત્રની બાઈક પાછળ બેસીને જતો જોવા મળ્યો હતો. આજે સવારે જામનગર નજીક આવેલા સુવરડા ગામની સીમમાંથી અપહત સગીરની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તેના બે મિત્ર શુભમ પરમાર અને કુશાલ બારોટની પૂછપરછ કરતા તે બંનેએ જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે હત્યારા બંને મિત્રોની અટકાયત કરી
આરોપીઓએ સગીરને ગળેટૂંપો અને ઈન્જેક્શન આપી હત્યા કરી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે જ્વલનશીલ પ્રવાહી છાંટી લાશને સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના મામલે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, સગીરના અપહરણની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવીની તપાસ કરતા લાસ્ટ ફૂટેજમાં તે તેના મિત્ર સાથે જતો જોવા મળ્યો હતો. મિત્રોની પૂછપરછ કરતા તેમણે જ સગીરની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી શુભમ પરમાર અને કુશલ બારોટની અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.