નાણાકીય ગોટાળા બદલ ચીનની બે મોટી કંપની વિરુદ્ધ તપાસના આદેશ
- કેન્દ્ર સરકારના કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા ચીનની બે કંપનીઓની વિરુદ્ધ મોટી કાર્યવાહી
- ચીનને પૈસા મોકલવાના આરોપમાં MG મોટર્સ અને વિવો મોબાઈલની તપાસનો આદેશ
નવી દિલ્હી,1 ડિસેમ્બર : કેન્દ્ર સરકારના કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા ચીનની બે કંપનીઓની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ચીનની બે કંપની MG મોટર્સ અને Vivo મોબાઈલની તપાસના આદેશ આપ્યા છે. આ બંને કંપનીઓ પર ચીનને પૈસા મોકલવાનો આરોપ છે. આમાંની એક કંપની Vivo મોબાઈલ છે, જે ભારતમાં મોબાઈલનું વેચાણ કરે છે. જ્યારે બીજી કંપની MG મોટર્સ છે જે ભારતમાં ગાડીઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે. એમજી મોટર્સમાં MCAની તપાસ આરડી ઓફિસ દ્વારા કરવામાં આવશે. જ્યારે Vivo મોબાઈલની તપાસ SFIO દ્વારા કરવામાં આવશે. MG મોટર્સ અને Vivo મોબાઈલ બંનેની પેરેન્ટ કંપનીની હિસ્સેદારી અંગે તપાસ ચાલી રહી છે. આ બંને કંપનીઓ પર ચીનની સરકાર પાસેથી જંગી લાભ મેળવવા અને ટેક્સ ચોરી કરવાનો આરોપ છે.
સરકારે ગેરરીતિનો બંને કંપની પાસેથી માંગ્યો હતો હિસાબ
થોડા દિવસો પહેલા મંત્રાલયે પોતાના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ વિભાગ દ્વારા ચીની કાર ઉત્પાદક કંપની MG મોટર્સના ડિરેક્ટર અને ઓડિટર ડેલોઈસને તપાસમાં મળી આવેલી ગેરરીતિઓ અંગે સ્પષ્ટતા માંગવા માટે બોલાવ્યા હતા. તે જ સમયે, Vivo મોબાઇલના ઘણા સ્થળો પર દરોડા બાદ, કસ્ટમ ડ્યુટી ન ભરવાના સમાચાર જાણવા મળ્યા હતા અને હવે આ બંને પર ચીનની સરકારને પૈસા મોકલવાનો આરોપ છે. આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
શું છે એમજી મોટરની તપાસમાં સમગ્ર મામલો?
ચીનની કાર મેન્યુફેક્ચરિંગ કંપનીને નાણાકીય વર્ષ 2019-20માં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો, જેનું કારણ સરકારે પૂછ્યું હતું. આ પછી સરકારે એમજી મોટર ઇન્ડિયાના નાણાકીય નિવેદનોની તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં શંકાસ્પદ વ્યવહારો, કરચોરી, બિલિંગમાં અનિયમિતતા અને અન્ય બાબતો સામે આવી છે. બીજી તરફ ઓટોમોબાઈલ કંપનીએ કહ્યું કે, “નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. કોઈપણ ઓટોમોબાઈલ કંપની માટે પ્રથમ વર્ષમાં નફો કરવો મુશ્કેલ હોય છે.”
ચાઈનીઝ મોબાઈલ કંપની પર શું છે આરોપ?
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને માહિતી મળી હતી કે, વિવો મોબાઈલ ઈન્ડિયા કંપની કસ્ટમ ડ્યુટી ચૂકવ્યા વિના મોટા પાયે ચીનથી સામાન અને સાધનો ભારતમાં લાવી રહી છે. કંપનીની તપાસ કર્યા બાદ DRIએ કહ્યું કે, વિવોએ અત્યાર સુધીમાં અંદાજે રૂ. 2217 કરોડની કસ્ટમ ડ્યુટીની ચોરી કરી છે. જ્યારે તેના અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તેણે કસ્ટમ ડ્યુટી ન ભરવાનું મોટું ષડયંત્ર રચ્યું છે. DRIએ આ સમયગાળા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ રિકવર કર્યા હતા. દસ્તાવેજોની તપાસમાં જાણવા મળ્યું છે કે, વિવો ઈન્ડિયાએ ચીન સ્થિત તેની મૂળ કંપનીને રૂ. 2217 કરોડનો નફો પૂરો પાડ્યો છે.
આ પણ જાણો :મુખ્યમંત્રી જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી સિંગાપોર પહોંચ્યા, બિઝનેસ એક્ઝિક્યુટિવ સાથે બેઠકો શરૂ કરી