ગુજરાત

મુખ્યમંત્રી જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી સિંગાપોર પહોંચ્યા, બિઝનેસ એક્ઝિક્યુટિવ સાથે બેઠકો શરૂ કરી

ગાંધીનગર, 1 ડિસેમ્બરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન અને સમિટમાં સિંગાપોરની સહભાગીતા પ્રેરિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ડેલીગેશન સાથે જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી આજે સિંગાપોર પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ સિંગાપોર પ્રવાસનો પ્રારંભ સિંગાપોરના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર ગેન કિમ યોંગ સાથેની મુલાકાત બેઠકથી કર્યો હતો. ત્યારબાદ સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેકનોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી તેમજ સિંગાપોર બિઝનેસ ફેડરેશનના સીઈઓ પ્રસુન મુખર્જી અને ડેલીગેશન સાથે બેઠક યોજી હતી.

સિંગાપોરના ઉદ્યોગમંત્રી સાથે ચર્ચાઓ કરી
ગુજરાતના ડેલિગેશને સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રી ગેન કિમ યોંગ સાથે મુલાકાત દરમિયાન સિંગાપોર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપાર- વણજ અને રોકાણો અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં રીન્યુઅલ એનર્જી, ઇલેક્ટ્રીક વ્હીકલ્સ, સેમિકન્ડક્ટર, ફૂડ પ્રોસેસિંગ, ડેરી પ્રોડક્ટ જેવા ઈમર્જિંગ સેક્ટરમાં મૂડી રોકાણ લાવવા માટે સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુખ્યમંત્રીએ ગુજરાતના લોજિસ્ટિક સેક્ટરની ઉપયોગિતા સંદર્ભે જણાવ્યું કે, ગ્લોબલી કનેક્ટેડ મલ્ટિપલ લોકેશન્સ અને લાંબી કોસ્ટ લાઈનને કારણે ગુજરાત ભારતનું લોજિસ્ટિક હબ તરીકે ઉભરી રહ્યું છે.મુખ્યમંત્રીએ સિંગાપોરના ઉદ્યોગ અને વેપાર મંત્રીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

ભારતમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે
બેઠક દરમિયાન મંત્રી ગેન કીમે જણાવ્યું કે, ભારતમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે અને સિંગાપોરની કંપનીઓ ભારત સરકારના સહયોગથી કામ કરવા તત્પર છે. તેમણે કહ્યું કે, સિંગાપોરને સાઉથ ઇસ્ટ એશિયા રિજનમાં ફ્રુટ, વેજીટેબલ્સ અને ડેરી પ્રોડક્ટ માટેનું હબ બનાવવા માટે ગુજરાત જેવા સક્ષમ રાજ્ય સાથેનો સહયોગ તેમના માટે લાભદાયી બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેક્નોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી સાથે પણ બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીમાં કાર્યરત સિંગાપોરની કંપનીઓની સફળ કામગીરી ગુજરાત-સિંગાપોરના વધતા સંબંધોનું મુખ્ય પરિબળ હોવાનો મત આ બેઠક દરમ્યાન વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ ગાંધીનગર ખાતે એનર્જી ટ્રાન્ઝિશન – રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ પર રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ

Back to top button