અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

ખેડા સિરપ કાંડમાં SITની રચના, નશીલા સિરપનો જથ્થો પકડવા રાજ્ય વ્યાપી દરોડા

અમદાવાદ, 1 ડિસેમ્બરઃ નડિયાદના બિલોદરા ગામે બનેલા સિરિપ કાંડ મામલે સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. હવે આ મામલે જવાબદારો સામે કડક પગલાં ભરવા ખેડા પોલીસ દ્વારા તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. ચાર પોલીસ અધિકારીઓને SITમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં નડિયાદ ડિવિઝનના Dysp વી.આર બાજપાઈ SITના અધ્યક્ષ અને SOG તથા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના PI અને મહેમદાવાદના PSIનો સમાવેશ કરાયો છે. આ કેસની તપાસ હાલમાં SOG PI અને નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકના ઇન્ચાર્જ PI કરી રહ્યા છે. જ્યારે મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરવા બદલ 2 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે.

સિરપનો જથ્થો પકડવા રાજ્યમાં પોલીસ એક્શનમાં
બીજી તરફ સમગ્ર રાજ્યમાં પોલીસ એક્શનમાં આવી છે. રાજ્યમાં આ પ્રકારના સિરપનું વેચાણ પકડવા માટે બોટાદ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, દ્વારકા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં આ સંબંધિત કાર્યવાહી કરાઇ છે. ગઢડા પોલીસે રાજ આઇસક્રીમના ગોડાઉનમાં સિરપનો જથ્થો ઝડપ્યો છે. 12 હજારની કિંમતની સિરપની 80 બોટલ કબજે કરાઇ છે. પોલીસે ફરિયાદ દાખલ કરી સિરપનો જથ્થો તપાસ માટે FSLમાં મોકલ્યો છે. જ્યારે ભાવનગરમાં પણ અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી 60 બોટલ સિરપ જપ્ત કરાઇ છે. ફરિયાદકા ગામમાં SOGએ દરોડા પાડી સિરપની 28 બોટલ જપ્ત કરી તો ઘોઘારોડ પોલીસે દરોડા પાડી સિંધુનગરમાંથી 30થી વધુ સિરપની બોટલ ઝડપી છે.

આરોગ્ય સાથે ચેડાં કરતા લોકોને છોડાશે નહીંઃ આરોગ્ય મંત્રી
આ ઘટનાને લઈને ગઈકાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઇપણ પ્રકારના કેફી પદાર્થોના વેચાણ માટે પરવાનગી અપાઇ નથી‌.આયુર્વેદિક દવાઓના ઉત્પાદન માટે પરવાના લેવા ફરજિયાત છે. આયુર્વેદિક સીરપની આડમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા લોકોને છોડાશે નહીં. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે, નડિયાદમાં બનેલી ઘટનામાં આયુર્વેદ પદાર્થમાં કોઈ અન્ય કેમિકલની મિલાવટ હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે. જે રાજ્ય બહારથી આવ્યું હોવાનું પ્રાથમિક તારણ છે. આ ઘટનાક્રમની જાણ થતાં પોલીસ વિભાગે તપાસ હાથ ઘરી છે. વધુમા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં આયુર્વેદ દવા સાથે અન્ય ઝેરી હાનિકારક કેમિકલની ભેળસેળ થઇ હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાને આવ્યું છે જેને વધું તપાસ માટે FSLમાં મોકલ્યું હોવાનું ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃ PM મોદીએ ગુજરાતની 143 ગ્રામ પંચાયતોમાં યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો

Back to top button