હવામાન વિભાગની આગાહી મુજબ આજ વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારોને મેઘરાજા ધમરોળી રહ્યા છે બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા હોય એમ વહેલી સવારથી વરસાદ વરસાવવાનું શરૂ કર્યું છે તો જામકડોરણામાં સાડા ચાર ઇંચ વરસાદ પડતાં ફોફળ નદીમાં પૂર આવતાં પુલનો માટીનો પાળો ધોવાયો છે. આથી ગોડલ-જામકંડોરણાના સ્ટેટ હાઈવે રોડનો વાહન વ્યવહાર બંધ કરાયો છે.
ઉપલેટામાં 3.5, ગોંડલ પંથકમાં 3 ઇંચ, ગ્રામ્ય વિસ્તારમાં નદી બે કાંઠે વહી
ઉપલેટા અને ગોંડલ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ઉપલેટામાં આજે વહેલી સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે તો ગોંડલના બાંદરા, વેકરી સહિતના ગામમાં 3 ઈંચ વરસાદ પડતા નદીઓ ગાંડીતૂર બની છે.
વહીવટી તંત્ર તાબડતોબ જામકંડોરણા દોડી ગયું, ધોરાજી પણ તરબોળ થયું
જામકંડોરણા પંથકમાં ભારે વરસાદ પડતાં ધોરાજી નાયબ કલેક્ટર જયેશભાઈ લીખીયા, જામકંડોરણા મામલતદાર મૂળશીયા, નાયબ મામલતદાર લૂણાગરીયા સહિતના અધિકારીઓની ટીમે ગ્રામીણ વિસ્તારોમાં દોડી ગઈ હતી. જ્યારે ધોરાજીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે.હાલ રાજકોટના ધોરાજીમાં પડેલા ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારના આવન જાવન માટેનો કોઝવેનો પાણીમાં ગરકાવ થયો છે. જેને પગલે ધોરાજી તાલુકાના મોટી મારડ, હદફોડી, ચીખલીયા ગામે જવા લોકોને મુશેકેલી વેઠવી પડે છે.
ગીર સોમનાથ જિલ્લો સતત બીજા દિવસે જળબંબાકાર
બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે સવારે ચાર કલાકમાં સરેરાશ 1થી 3.5 ઈંચ જેવો વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં સૌથી વધુ સુત્રાપાડામાં 3.5 ઈંચ તો સૌથી ઓછો તાલાલામાં માત્ર 3 મિમી વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઉનામાં દોઢ ઇંચ, ગીર ગઢડા એક ઇંચ, વેરાવળ કોડીનારમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદી-નાળાંમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
પ્રાચી તીર્થનું માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ, ખેતરોમાં પાણી ભરાયા
સુત્રાપાડા પંથકની સરસ્વતી નદીમાં પૂર આવતાં સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થનું માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. તો સુત્રાપાડા અને કોડીનાર પંથકનાં ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલાં હોવાથી ખેડૂતોની મૂંઝવણ વધી ગઈ છે. આજે બીજા દિવસે વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લાના છએ છ તાલુકામાં મેઘરાજાએ પધરામણી કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે.
રાજકોટથી ઉના – દીવ ST બંધ, વેરાવળ સુધી જ જશે
સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલને પગલે ST વિભાગ દ્વારા મુસાફરોની સલામતીના ભાગરૂપે રાજકોટથી વેરાવળ, ઉના, દીવ અને કોડીનારની ST બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ બસ માત્ર વેરાવળ સુધી જ મોકલવામાં આવશે. આ ઉપરાંત પૂરગ્રસ્ત અનેક તાલુકા અને જિલ્લાના રૂટ ઉપર હાલ ST વિભાગે રોક લગાવી દેવામાં આવી છે. જેના પગલે ST નિગમને લાખો રૂપિયાનુ નુકસાન જવાની શક્યતા છે પરંતુ પ્રવાસીઓની સલામતી માટે ST નિગમ દ્વારા રૂટ બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ, પડી શકે છે પાંચ ઇંચ સુધી વરસાદ
રાજકોટમાં મંગળવારે 3 ઇંચ વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર છત્તીસગઢ પર બનેલું લો પ્રેશર ઝડપથી આગળ વધી રહ્યું છે. છત્તીસગઢ પર લો પ્રેશર બન્યા બાદ તે એમપી ત્યાંથી રાજસ્થાન તરફ આગળ વધીને બુધવારે કચ્છ પર કેન્દ્રિત થયું હતું. જેને કારણે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. કચ્છથી સિસ્ટમ આગળ વધીને પાકિસ્તાન તરફ ફંટાઈ જાય એવું અનુમાન સેવાઈ રહ્યું છે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર 24 કલાકમાં કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, માળિયામિયાણા અને રાજકોટમાં સિસ્ટમને કારણે વરસાદ આવી શકે છે. કેટલાક વિસ્તારોમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે.