રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 717 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. જેની સામે 562 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3879 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.
જો કે સૌથી મોટી રાહતની વાત એ છેકે આજે કોરોનાને લીધે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. મહત્વનું છે કે મંગળવારે 572 કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે બુધવારે 665 લોકોને કોરોનાએ ઝપેટમાં લીધા હતા.
હાલમાં શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 309 કેસ ગ્રામ્યમાં 7 કેસ, સુરત કોર્પોરેશનમાં 88 ગ્રામ્યમાં 28 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 29, ભાવનગર કોર્પોરેશનમાં 16, જામનગર કોર્પોરેશનમાં 01, ગાંધીનગર કોર્પોરેશનમાં 31 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 15 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
આ તરફ અમદાવાદ કોર્પોરેશને કોરોના કેસમાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગ એકશન મોડ પર આવ્યું છે અને હવે એકથી વધુ લોકો સંક્રમિત હોય તેમને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાશે તેવી નિર્ણય લેવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે એએમસી દ્વારા ફરી લોકોને ઘર પૂરતા સીમિત માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હવે જાહેર કરવામાં આવશે. તેમજ ટેસ્ટીંગ પ્રક્રિયા વધારવામાં આવશે. આપને એ પણ જણાવી દઈએ કે હાલ શહેરમાં 40 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10948 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 71,478 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.17 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.80 ટકા પહોચ્યો છે.