ટ્રેન્ડિંગનેશનલવિશેષ

પ્રખર રાષ્ટ્રવાદી રાજીવ દીક્ષિતની આજે જન્મજયંતી અને પુણ્યતિથિ

  • બહુરાષ્ટ્રીય કંપનીઓ વિરુદ્ધ કરેલા આંદોલનને કારણે રાજીવ દીક્ષિતને ઝેર અપાયું હોવાની માન્યતા

અમદાવાદ, 30 નવેમ્બર : ભારત બચાવો આંદોલનના સ્થાપક રાજીવ દીક્ષિતની આજે જન્મજયંતી અને પુણ્યતિથિ છે. જેમનો જન્મ 30 નવેમ્બર 1967ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના અલીગઢ જિલ્લાના અત્રૌલી તાલુકાના નાહ ગામમાં પિતા રાધેશ્યામ અને માતા મિથિલેશ કુમારીના પુત્ર તરીકે થયો હતો. તેમનું અવસાન છત્તીસગઢના ભિલાઈમાં 30 નવેમ્બર 2010ના રોજ થયું હતું, જેને તેમના અનુયાયીઓ દ્વારા સ્વદેશી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. રાજીવ દીક્ષિતનું મૃત્યુ એ એક એવો કોયડો છે કે તેમનું મૃત્યુ થયું હતું કે હત્યા કરવામાં આવી હતી? રાજીવ દીક્ષિતના મૃત્યુ બાદ વડા પ્રધાન કાર્યાલયે 2019માં તેમના મૃત્યુની તપાસનો આદેશ પણ આપ્યો હતો તેમજ તેમના અનુયાયીઓ વચ્ચે એવી માન્યતા છે કે, ભારત અને અન્ય દેશોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ વિરુદ્ધ તેમના આંદોલનને કારણે તેમને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.

રાજીવ દીક્ષિતે ફિરોઝાબાદ જિલ્લાની એક શાળામાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. આ પછી, તેમણે પ્રયાગરાજ (તત્કાલીન અલ્હાબાદ) શહેરની JK સંસ્થામાંથી B.Tech અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, IIT કાનપુરમાંથી M.Tech ડિગ્રી મેળવી હતી. રાજીવ દીક્ષિતે ભારતની CSIR (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ)માં થોડો સમય કામ કર્યું હતું. તેમણે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ સાથે ગોપનીય સંશોધન પ્રોજેક્ટમાં પણ કામ કર્યું હતું.

અભ્યાસ દરમિયાન જ આંદોલન કરવામાં આવ્યું હતું શરૂ

રાજીવ દીક્ષિતે પ્રયાગરાજની JK ઇન્સ્ટિટ્યૂટમાંથી B.Tech કર્યું હતું. તેમનું શિક્ષણ ચાલુ રાખતા તેઓ ‘આઝાદી બચાવો આંદોલન’માં જોડાયા હતા, જેના સ્થાપક બનવારીલાલ શર્મા હતા, જેઓ અલ્હાબાદ યુનિવર્સિટીમાં ગણિત વિભાગના મુખ્ય શિક્ષક હતા. રાજીવ દીક્ષિત સંગઠનમાં પ્રવક્તા પદ પર હતા. અભય પ્રતાપ, સંત સમીર, કેશર, રામ ધીરજ, મનોજ ત્યાગી અને યોગેશ કુમાર મિશ્રા જેવા સંશોધકો સંસ્થામાં પોતપોતાના વિષયો પર સંશોધન કાર્ય કરતા હતા. જે સંસ્થા દ્વારા પ્રકાશિત ‘નયી આઝાદી ઉદ્ઘોષ’ નામના માસિક સામયિકમાં પ્રકાશિત થતું હતું. રાજીવ દીક્ષિતને નાનપણથી જ દેશની તમામ સમસ્યાઓ જાણવાનો ઊંડો રસ હતો. જ્યારે તે નવમા ધોરણમાં હતા ત્યારે તેણે તેના ઇતિહાસના શિક્ષકને એક પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ શિક્ષક પાસે પણ નહોતો. જેમ તમે જાણો છો, આપણને ઇતિહાસના પુસ્તકોમાં શીખવવામાં આવે છે કે ભારતના રાજા સાથે અંગ્રેજોનું પ્રથમ યુદ્ધ વર્ષ 1757માં રોબર્ટ ક્લાઇવ અને બંગાળના નવાબ સિરાજ-ઉદ-ડોલા સામે પ્લાસીના મેદાનમાં થયું હતું. એ યુદ્ધમાં રોબર્ટ ક્લાઈવે સિરાજ-ઉદ-ડોલાને હરાવ્યો અને એ પછી ભારત ગુલામ બની ગયું. જેને લઈને શિક્ષક અને રાજીવ દીક્ષિત વચ્ચે ખૂબ પ્રશ્નોતરી થઈ હતી. આ પ્રશ્નોતરીનો જવાબ તમને રાજીવભાઈના ‘રીયલ હિસ્ટ્રી ઓફ ઈન્ડિપેન્ડન્સ’ નામના વ્યાખ્યાનમાં મળશે.

પ્રો. ધર્મપાલ રાજીવ દીક્ષિતના બન્યા ગુરુ

રાજીવ દીક્ષિતની મુલાકાત પ્રો. ધરમપાલ નામના ઈતિહાસકાર સાથે થઈ હતી, જેમનાં પુસ્તકો અમેરિકામાં ભણાવવામાં આવે છે, પણ ભારતમાં નહીં. રાજીવ દીક્ષિત પ્રો.ધરમપાલને પોતાના ગુરુ માનતા હતા. જેમણે રાજીવ દીક્ષિતના ઘણા પ્રશ્નોના જવાબો શોધવામાં મદદ કરી હતી. પ્રો. ધરમપાલે રાજીવ દીક્ષિતને ભારત વિશેના તે દસ્તાવેજો પૂરા પાડ્યા જે ઈંગ્લેન્ડની લાઈબ્રેરી, હાઉસ ઓફ કોમન્સમાં રાખવામાં આવ્યા હતા, જેમાં અંગ્રેજોએ કેવી રીતે ભારતને ગુલામ બનાવ્યું હતું તેનું સંપૂર્ણ વર્ણન આપ્યું હતું. રાજીવ દીક્ષિતે એ તમામ દસ્તાવેજોનો ખૂબ અભ્યાસ કર્યો અને તેઓ એ જાણીને ચોંકી ગયા કે ભારતનો કેટલો ખોટો ઈતિહાસ ભારતના લોકોને ભણાવવામાં આવી રહ્યો છે. પછી વાસ્તવિકતા લોકો સમક્ષ લાવવા રાજીવ દીક્ષિતે ગામડાં અને શહેરોમાં પ્રવચનો આપવાનું શરૂ કર્યું અને સાથે સાથે દેશની આઝાદીનો ઈતિહાસ અને દેશની અન્ય ગંભીર સમસ્યાઓ અને તેના ઉકેલો શોધવામાં વ્યસ્ત થઈ ગયા.

મિત્રના પિતા પાસેથી આઝાદીનું સત્ય જાણ્યું

પ્રયાગરાજમાં (અલ્હાબાદ) અભ્યાસ કરતી વખતે રાજીવ દીક્ષિતનો એક નજીકનો મિત્ર હતો, જેનું નામ યોગેશ મિશ્રા હતું. તેમના પિતા અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલ હતા. રાજીવ દીક્ષિત અને તેમના મિત્રો અવારનવાર તેમની સાથે દેશની આઝાદી સાથે જોડાયેલી રહસ્યમય વાતો કરતા. ત્યારે રાજીવ દીક્ષિતને ખબર પડી કે 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને કોઈ આઝાદી મળી નથી, પરંતુ 14 ઓગસ્ટ 1947ની રાત્રે બ્રિટિશ માઉન્ટબેટન અને નેહરુ વચ્ચે એક સમજૂતી થઈ હતી જેને “Transfer of Power Agreement”કહેવામાં આવે છે.

કરાર અનુસાર, અંગ્રેજો તેમની ખુરશી પંડિત જવાહરલાલ નેહરુને સોંપશે, પરંતુ ભારતને બરબાદ કરવા માટે તેમણે બનાવેલા 34,735 કાયદા આ દેશમાં ચાલુ રહેશે. આઝાદીની લડાઈમાં સમગ્ર દેશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની વિરુદ્ધમાં હોવાથી માત્ર એક ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારત છોડી જશે, પરંતુ અન્ય 126 વિદેશી કંપનીઓ જે ભારતને લૂંટવા આવી હતી તે ભારતમાં ધંધો કરવાનું ચાલુ રાખશે અને સતત લૂંટ ચલાવશે.

સ્વદેશી ચળવળ માટે પ્રતિજ્ઞા લીધી

સમગ્ર વિગતો જાણ્યા બાદ, રાજીવ દીક્ષિતે આ વિદેશી કંપનીઓ અને ભારતમાં કાર્યરત બ્રિટિશ કાયદાઓ વિરુદ્ધ ફરી એક વાર એવી જ સ્વદેશી ચળવળ શરૂ કરવાનો સંકલ્પ કર્યો, જે રીતે બાળ ગંગાધર ટિળકે એક વખત અંગ્રેજો વિરુદ્ધ કર્યું હતું. પોતાના રાષ્ટ્રને સંપૂર્ણ સ્વતંત્રતા અપાવવા અને તેને આર્થિક મહાસત્તા તરીકે સ્થાપિત કરવા માટે, તેમણે જીવનભર બ્રહ્મચારી રહેવાનું વ્રત લીધું અને જીવનભર નિભાવ્યું. તેઓ આસપાસ ફરવા લાગ્યા અને લોકોને ભારતમાં પ્રવર્તતા અંગ્રેજી કાયદા, અધૂરી સ્વતંત્રતા વિશેની સત્યતા, ભારતમાં વિદેશી કંપનીઓની લૂંટ વગેરે વિશે જણાવવાનું શરૂ કર્યું. 1999માં, રાજીવના સ્વદેશી પ્રવચનોની કેસેટોએ દેશભરમાં હલચલ મચાવી હતી.

ભોપાલ ગેસ કાંડનું ષડયંત્ર શોધી કાઢ્યું

1984માં જ્યારે ભારતમાં ભોપાલ ગેસ દુર્ઘટના બની ત્યારે રાજીવ દીક્ષિતે તેની પાછળનું ષડયંત્ર શોધી કાઢ્યું અને ખુલાસો કર્યો કે, તે કોઈ દુર્ઘટના નથી, પરંતુ અમેરિકા દ્વારા કરવામાં આવેલું એક પરીક્ષણ છે (જેના વિશે તમને તેમના લેક્ચરમાં વધુ માહિતી મળશે) રાજીવ દીક્ષિતે યુનિયન કાર્બાઇડ કંપની વિરુદ્ધ પ્રદર્શન કર્યું. એ જ રીતે, 1995-96માં તેમણે ટિહરી ડેમના નિર્માણ વિરુદ્ધ ઐતિહાસિક કૂચમાં ભાગ લીધો હતો અને જેમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતાં તેમણે ઘણી ઇજાઓ પણ થઈ હતી. એ જ રીતે, 1999માં, તેમણે રાજસ્થાનના કેટલાક ગ્રામજનો સાથે મળીને, સરકાર દ્વારા લાઇસન્સ મેળવેલી દારૂ ઉત્પાદક કંપનીઓ કે જે દરરોજ ભૂગર્ભમાંથી મોટા પ્રમાણમાં પાણી કાઢીને દારૂનું ઉત્પાદન કરતી આવી કંપનીઓનો પર્દાફાશ કર્યો હતો.

આ પણ જુઓ : વૃક્ષો – છોડમાં જીવન હોવાની શોધ કરનાર ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની આજે જન્મ જયંતી

Back to top button