અમદાવાદઃ શહેરમાં ચોરી અને લૂંટના બનાવો બેફામ પણે વધી રહ્યાં છે. ઘરફોડ અને જાહેરમાં લૂંટ કરનારા ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો જ ના હોય તેમ બેફિકર ચોરીના ગુનાઓ આચરી રહ્યાં છે. શહેરમાં એસજી હાઈવે પર નવા બનેલા પેલેડિયમ મોલમાં ચોરીની ઘટના બની છે. જેમાં મોલના ત્રીજા ફ્લોર પર રિલાયન્સ ડિજિટલમાં ડિસ્પ્લેમાં મુકવામાં આવેલા આઈફોનની ચોરી થતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
રિલાયન્સ ડિજિટલના મેનેજરે ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે એસજી રોડ પર તાજેતરમાં જ નવા બનેલા વૈભવી પેલેડિયમ મોલના ત્રીજા માળે રિલાયન્સ ડિજિટલમાં ચોરી થતાં સુરક્ષાને લઈને સવાલો થઈ રહ્યા છે. રીલાઈન્સ ડીજીટલ શોરૂમના આસિસ્ટંટ મેનેજર સૌમીલ મહેતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં જણાવ્યું છે કે, અમે અમારા શોરૂમમાં દરેક કંપનીના મોબાઈલ ફોન તથા અલગ અલગ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું વેચાણ કરીએ છીએ. અમારા શો રૂમમાં કુલ 35 માણસો કામ કરે છે. અમારા શો-રૂમમા મોબાઇલ ફોનને લગતા તમામ સ્ટોકની દર બુધવારે ગણતરી કરવામા આવે છે.
ટેબલના ખુલ્લા ડ્રોવરમાં રાખેલ આઇફોનની ચોરી
ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત સાતમી નવેમ્બરે અમારા સ્ટોરમાં મોબાઈલનો સ્ટોક ગણતી વખતે તમામ સ્ટોક બરાબર જણાયો હતો. જ્યાર 15મી નવેમ્બરે ગણતરી કરતાં 80 હજારની કિંમતનો એપલ કંપનીનો આઈફોન 15 પ્રો મેક્સ નેચરલ ટાઈટેનિયમ કલરનો મોબાઈલ જણાઈ આવ્યો નહોતો. અમે સ્ટાફને પુછપરછ કરી હતી અને શોધખોળ પણ કરી હતી પરંતુ મોબાઈલ મળ્યો નહોતો. ત્યાર બાદ શો રૂમના સીસીટીવી કેમેરામાં ચેક કરતાં જાણવા મળ્યું હતું કે, એક અજાણ્યો માણસ શો રૂમમાં આવીને ડેમો ટેબલના ખુલ્લા ડ્રોવરમાં રાખેલ આઇફોનની ચોરી કરીને લઇ ગયો હતો. આ ઘટનાની જાણ ફરિયાદી મેનેજરે હેડ ઓફિસે જાણ કરી હતી પણ ત્યાંથી ફરિયાદ કરવાની મંજુરી આવી નહીં હોવાથી એ સમયે ફરિયાદ નહોતી કરી. પરંતુ મંજુરી આવતાની સાથે જ મેનેજરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં સગા ભાણેજે ગોળી ધરબીને નાના-નાની અને મામાની હત્યા કરી