મુખ્યમંત્રીનો જાપાન પ્રવાસઃ ચોથા દિવસે ટોક્યોના રોડ-શોમાં 200થી વધુ બિઝનેસ પ્રોફેશનલ્સ જોડાયા
ગાંધીનગરઃ 2003થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી જાન્યુઆરી 2024માં યોજાઇ રહેલી 10મી એડિશનમાં જાપાનના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગીતા પ્રેરિત કરવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું હાઈલેવલ ડેલીગેશન જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ચોથા દિવસે ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ રોકાણકારો, બિઝનેસ પ્રોફેશનલ્સ સાથે રોડ-શો યોજ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જાપાનના ૨૦૦થી વધુ અગ્રણી ઉદ્યોગ રોકાણકારો-બિઝનેસ પ્રોફેશનલ્સ સમક્ષ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ભારતના વિકાસ રોલ મોડેલ રાજ્ય તરીકેની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ આ રોડ-શો માં કરી હતી.
જાપાનીઝ ઉદ્યોગ રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટનું આમંત્રણ
મુખ્યમંત્રીએ આત્મનિર્ભર, વિકસિત ભારત માટે આત્મનિર્ભર ગુજરાતની સંકલ્પના સાથે ગુજરાતે સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, ઇ-મોબિલીટી, રીન્યુએબલ એનર્જી તથા ગ્લોબલ ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝ જેવા ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટના સેક્ટર્સ પર વિશેષ ઝોક આપ્યો છે તેની વિશદ ભૂમિકા આપી હતી.તેમણે કહ્યું કે, ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે આગામી વાઇબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાત આ નવા ઉભરતા ક્ષેત્રમાં લીડ લેવા સજ્જ છે. ગુજરાતની પોલીસી ડ્રીવન સ્ટેટ, પ્રો-એક્ટીવ અપ્રોચ, પ્રોત્સાહક અભિગમ વાળા રાજ્ય તરીકેની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરતા જાપાનીઝ ઉદ્યોગ રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટ 2024માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.
ગુજરાત અને જાપાન વચ્ચેની ભાગીદારી મજબૂત બનશે
જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO) ના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કાઝુયા નાકાજો અને JETRO ના ડાયરેક્ટર જનરલ તાકેહિકો ફુરુકાવાએ વૈશ્વિક બિઝનેસ ઇકોસિસ્ટમમાં ગુજરાતની અભિન્ન ભૂમિકાને હાઇલાઇટ કરી હતી. સુઝુકીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કેનિચી આયુકાવાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ફળદાયી પરસ્પર ચર્ચાઓ ગુજરાત અને જાપાન વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવશે. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના ડિરેક્ટર કુબોટા કેજીએ ગુજરાતમાં તેમના રોકાણો અને સ્ટીલ ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ સાથે ગુજરાતમાં તેમની ક્ષમતા વિસ્તારવાની ભાવિ યોજનાઓ વિશે વાત કરી હતી. તેમણે કંપની દ્વારા અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કરવામાં આવી રહેલી કામગીરી પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચોઃ ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલના ઉત્પાદન માટે એક હજાર કરોડના MoU