ગાંધીનગરઃ ગુજરાત સરકાર જાન્યુઆરી 2024માં દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારી કરી રહી છે. અત્યાર સુધીમાં 6 આંતરરાષ્ટ્રીય અને 8 રાષ્ટ્રીય સ્તરના રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતો હાથ ધરવામાં આવી છે. આ રોડ શોના પ્રતિનિધિમંડળો વિવિધ ક્ષેત્રોમાં વન-ટુ-વન મીટિંગ્સ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને સેમિનાર દ્વારા 1000 થી વધુ કંપનીઓ સાથે મુલાકાત કરી ચુક્યા છે. જરાત સરકારે તાજેતરમાં રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 પણ લોન્ચ કરી છે. આ નીતિ રાજ્યને તેની ઉર્જા જરૂરિયાતોના 50% રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતોમાંથી મેળવવા માટે સક્ષમ બનાવશે, જે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનને 45% ઘટાડવાના ભારતના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરશે.
ગુજરાત સરકારે જમીન ફાળવણી નીતિ પણ જાહેર કરી છે
ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન તરફ આગળ વધતાં ગુજરાત સરકારે જમીન ફાળવણી નીતિ પણ જાહેર કરી છે જે રાજ્યને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે સંખ્યાબંધ પ્રોત્સાહનો પ્રદાન કરે છે. આ નીતિ અનુસાર, ગ્રીન હાઇડ્રોજન કંપનીઓએ તેમના પ્લાન્ટ શરૂ કર્યાના પાંચ વર્ષમાં પ્લાન્ટ ઉત્પાદન ક્ષમતાના 50% અને આઠ વર્ષમાં 100% ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવી પડશે. લક્ષ્યો હાંસલ કરવા માટે, ગુજરાત સરકારે ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની અગ્રણી વૈશ્વિક કંપનીઓ અને મુંબઈ, નવી દિલ્હી, કોલકાતા અને ચંદીગઢની રાષ્ટ્રીય ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન કંપનીઓ સાથે ઘણી બેઠકો યોજી હતી. પ્રતિનિધિમંડળે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એનર્જી ક્ષેત્ર માટે ગુજરાતનું વિઝન શેર કર્યું હતું અને ગુજરાતમાં ઉપલબ્ધ વિવિધ તકોની ચર્ચા કરી હતી.
1,000 કરોડના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર
ચર્ચા દરમિયાન રોકાણમાં રસ દાખવનારી કંપનીઓ અલ્ટરનેટીવ ફ્યુઅલ પ્રોડક્શન, ગેસ/ટેક્નોલોજી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ, લિથિયમ-આયન બેટરી ઉત્પાદન, સોલાર પીવી મોડ્યુલ્સ ઉત્પાદન, ડીકાર્બોનાઇઝેશન ઈનીશિએટીવ અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન જેવા વિવિધ પેટા-ક્ષેત્રોની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ છે. ડેનિશ મેરીટાઇમ કંપનીઓએ પણ ગુજરાતના બંદરો પરથી ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલ ખરીદવામાં રસ દાખવ્યો છે.વેલસ્પન અને કિરી ઇન્ડસ્ટ્રીઝ જેવી ભારતીય કંપનીઓએ ગુજરાતથી યુરોપમાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાની નિકાસની સુવિધા માટે લિલી નેવિટાસ (જર્મની) અને સુન્ડ્રોનિક્સ (જર્મની) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. શિપિંગ માટે ગ્રીન ફ્યુઅલની વિશાળ સંભાવનાને ઓળખીને, શક્તિ ગ્રુપે ગુજરાતમાં ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલના ઉત્પાદન માટે રૂ. 1,000 કરોડના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસ માટે મળશે આર્થિક સહાય