અમદાવાદગુજરાત

AAPના MLA ચૈતર વસાવાની પત્નીનો આક્ષેપ, શકુંતલાબેનને ફસાવવા ભાજપે ષડયંત્ર રચ્યું

Text To Speech

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે,વન વિભાગના 40-50 કર્મચારીઓએ એક ખેડૂતનો પાક અડધી રાત્રે કાપી નાખ્યો હતો. આ મુદ્દા પર ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓ સાથે આ બાબત પર ચર્ચા કરીને બંને લોકો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. તેના ત્રણ દિવસ પછી રાતના સમયે પોલીસ કર્મચારીઓએ કોઈપણ પ્રકારની પરમિશન વિના અમારા ઘરમાં ઘૂસીને ઘરની તપાસ કરી આખી રાત અમને હેરાન કર્યા છે. આ સમગ્ર કિસ્સામાં શકુંતલાબેનનો કોઈ જ વાંક નથી. એફઆઇઆરમાં ફાયરિંગ થઈ એવી વાત લખવામાં આવી છે, પરંતુ આવી કોઈ ઘટના ઘટી નથી. આ સમગ્ર ભાજપનું ષડયંત્ર છે.

ચૈતર વસાવાને ભાજપમાં લઈ જવાનું ષડયંત્ર
ધારાસભ્યની વધતી લોકપ્રિયતા સરકાર જોઈ નથી શકતી માટે તેમને ફસાવવામાં આવ્યા છે. ભાજપે તેમને ભાજપમાં લઈ જવા માટે આ ષડયંત્ર રચ્યું છે. આવનારી લોકસભા ચૂંટણીમાં ચૈતર વસાવા ભરૂચથી ચૂંટણી લડે તો જીતી શકે એમ છે માટે ભાજપ તેમનાથી ડરી ગઈ છે અને તેમને ખોટા કેસોમાં ફસાવી રહી છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ જણાવ્યું કે, ભાજપ સરકાર એસસી એસટી અને ઓબીસી વિરુદ્ધની માનસિકતા ધરાવે છે, એના ઘણા ઉદાહરણો આપણને જોવા મળતા હોય છે. જો કોઈ વ્યક્તિ પોતાના સમાજ માટે અવાજ ઉઠાવે તો ભાજપ સરકાર તેને દબાવવાની કોશિશ કરે છે.

મહિલાઓનું મોરલ ડાઉન કરવામાં આવે છે
આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ પત્રકારો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકાર મહિલા અનામતની વાતો કરે છે અને બીજી બાજુ શા માટે તેઓ ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ પર અત્યાચાર કરે છે? ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના ધર્મ પત્નીને કોઈ પણ વાંક ગુના વગર ફસાવવામાં આવ્યા છે, આ રીતે તેમનું મોરલ ડાઉન કરવામાં આવે છે, જેથી કોઈ મહિલા આગળ લડે નહીં.

આ પણ વાંચોઃ ગુજરાતઃ ચૂંટણીપંચને નવા મતદાર તરીકે નોંધણી માટે 2.62 લાખ ફોર્મ મળ્યા

Back to top button