ગુજરાતટોપ ન્યૂઝ

લોકસભા ચૂંટણીની તૈયારી : 5 ડિસે.થી રાજ્યના તમામ કલેકટરોની દિલ્હીમાં તાલીમ

  • 19 ડિસે. સુધીમાં પાંચ તબકકામાં અપાશે તાલીમ
  • ચૂંટણી કમિશન દ્વારા કલેક્ટરો પાસે માસ્ટર પ્લાન મંગાવાયો
  • મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી બાદ ચૂંટણીના ઢોલ ઢબુકશે

આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટણીપંચ દ્વારા માઈક્રો પ્લાનીંગ સાથે જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત ખાસ તાલીમ માટે દિલ્હી ચૂંટણીપંચ દ્વારા રાજ્યભરના તમામ 33 જિલ્લાઓના કલેકટરોને દિલ્હીનું તેડુ મોકલાયું છે. દિલ્હી ચૂંટણી પંચ દ્વારા રાજકોટ સહિત રાજયના 33 જીલ્લાઓના કલેકટરો માટે આગામી તા.5થી 19 ડીસેમ્બર દરમિયાન પાંચ તબકકામાં લોકસભાની ચૂંટણીનો તાલીમ વર્ગ આયોજીત કરવામાં આવેલ છે.

ક્યારે ? ક્યાં જિલ્લાના કલેકટરની તાલીમ ?

આ તાલીમવર્ગ બે-બે દિવસના માટે યોજવામાં આવેલ છે. જેમાં પ્રથમ તબકકામાં તા.5 અને 6 ડીસેમ્બરના રાજકોટ ઉપરાંત અમદાવાદ વેસ્ટ, સુરત, ભાવનગર, જામનગર અને જુનાગઢના કલેકટરો માટે ચૂંટણીનો આ તાલીમ વર્ગ યોજાશે. ત્યારબાદ 8 અને 9 ડીસેમ્બરના બનાસકાંઠા, મહેસાણા, કચ્છ, આણંદ, ખેડા અને ભરૂચના કલેકટરો માટે જયારે તા.11 અને 12 ડીસેમ્બરના સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, વલસાડ, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર અને પંચમહાલ જીલ્લાના કલેકટરોને લોકસભાની ચૂંટણીની તાલીમ અપાશે. તેમજ તા.14 અને 15 ડીસેમ્બરના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, નર્મદા, તાપી, ડાંગ, અરવલ્લી, મહાસાગર જીલ્લાના કલેકટરો માટે તેમજ તા.18 અને 19 ડીસેમ્બરના વડોદરા, દાહોદ, છોટાઉદેપુર અને અમદાવાદ ઈસ્ટના કલેકટરોને ચૂંટણીપંચ દ્વારા દિલ્હી ખાતે લોકસભાની ચૂંટણી અંગે તાલીમ અપાશે.

20 ડિસેમ્બર સુધીમાં માસ્ટર પ્લાન આપવા આદેશ

અહીં એ ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા હાલ મતદાર યાદી સુધારણાની કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. આગામી તા.5 જાન્યુઆરીના મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ થયા બાદ ગમે ત્યારે લોકસભાની ચૂંટણી ચૂંટણીપંચ જાહેર કરી દે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. ગત વખતે માર્ચમાં બે તબકકામાં લોકસભાની ચૂંટણી આયોજીત કરવામાં આવી હતી. આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા માસ્ટર પ્લાન મંગાવવામાં આવેલ છે. આ ઉપરાંત સીબીએસઈની સ્કૂલોમાં વાર્ષીક પરીક્ષા સહીતની માહિતી ચૂંટણીપંચ દ્વારા મગાવવામાં આવી છે. 20 ડીસેમ્બર સુધીમાં ચૂંટણીનો માસ્ટર પ્લાન મોકલી આપવા માટે આદેશ કરી દેવામાં આવેલ છે.

સ્ટાફ સહિતની વિગતો મંગાવી લેવામાં આવી

ચૂંટણી માટેના સ્ટાફની વિગતો અગાઉ મગાવી લેવામાં આવી હતી. હાલ સ્ટાફને ટ્રેનીંગ આપવાનું શરૂ કરી દેવામાં આવેલ છે. ડીસ્ટ્રીકટ ઈલેકશન મેનેજમેન્ટ પ્લાનમાં મતદાર મથકોની સંખ્યા નવા કેટલા મતદાન મથકોના ઉમેરા ઘટાડા મતદાર યાદીની વિગતો સંવેદનશીલ મતદાન મથકો ડીસ્પેચીંગ સેન્ટરો સહિતની માહિતી પણ મગાવવામાં આવી છે. તેની સાથોસાથ આગામી તા.5 ડીસેમ્બરના ગાંધીનગર ખાતે ચૂંટણી સંદર્ભે ના.જીલ્લા ચૂંટણી અધિકારીઓ માટે એક દિવસનો વર્કશોપ પણ ગોઠવવામાં આવેલ છે. લોકસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચની આ તડામાર તૈયારીઓ જોતા આગામી તા.5 જાન્યુઆરીના મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી બાદ ચૂંટણી પંચ ગમે ત્યારે લોકસભાની ચુંટણી જાહેર કરે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.

Back to top button