ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પાક.સરકારે બે પ્રાચીન મંદિરોને તોડી પાડતા હિંદુ સમુદાયે નારાજગી વ્યક્ત કરી

Text To Speech

ઈસ્લામાબાદ, 27 નવેમ્બર: પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં હિંગળાજ માતાનું મંદિર તોડી પાડવામાં આવતા હિંદુ સમુદાયે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોર્ટના આદેશ બાદ હિન્દુ મંદિરને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. થરપારકર જિલ્લાના અધિકારીઓએ મીઠી શહેરમાં મંદિર તોડી પાડવાના કોર્ટના આદેશને ટાંક્યો હતો. જો કે, વર્ષો જૂના મંદિરને તોડી પડાતા ત્યાં વસતા હિંદુઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જ્યાં મંદિરને ટાર્ગેટ કરાયું તે મીઠી શહેર પાકિસ્તાનનો હિંદુ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. જ્યાં મોટી સંખ્યામાં હિંદુ સમુદાયના લોકો વસે છે.

UNESCOનો દરજ્જો ધરાવતું મંદિર તોડી પડાયું

આ એકમાત્ર ઘટના નથી જ્યાં હિંદુ મંદિર તોડી પડાયું હોય, હાલમાં લાઈન ઑફ કન્ટ્રોલ પાસે હિંદુઓના અન્ય ધાર્મિક સ્થળ શારદા પીઠ મંદિરને નિશાન બનાવાયું હતું. સુપ્રીમ કોર્ટના પ્રોટેક્શન ઓર્ડર છતાં આ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરની નજીક એક કોફી હાઉસનું નિર્માણ કાર્ય ચાલુ છે, જેનું ઉદ્ઘાટન આ વર્ષે કરવામાં આવશે. જો કે, આ મંદિરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી. UNESCOની સાઇટ હોવા છતાં શારદા પીઠને તોડી પાડવાથી બચાવી શકાયું નથી.

અવારનવાર પાકિસ્તાનમાં મંદિરને નિશાન બનાવાય છે

પાકિસ્તાન સરકારની આ કાર્યવાહી સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાના સંરક્ષણ પર સવાલો ઊભા કરે છે. અગાઉ જુલાઈમાં પણ એક મંદિર તોડવામાં આવ્યું હતું. કરાચીમાં મરીમાતાનું મંદિર જમીનદોસ્ત કરાયું હતું. મંદિર તોડવાનું કારણ સમગ્ર વિસ્તારમાં વીજળીની વ્યવસ્થા ન હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં હિંદુ અને તેમના ધાર્મિક સ્થળો પર હુમલા થવાની આ વાત નવી નથી. જ્યારથી પાકિસ્તાન બન્યું છે ત્યારથી ત્યાં વસતા હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. આ દરમિયાન ફરી એકવાર પાકિસ્તાનમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે.

આ પણ વાંચો: ન્યૂયોર્કઃ ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત સાથે ખાલિસ્તાનીઓનું ગેરવર્તન

Back to top button