છત્તીસગઢઃ નક્સલીઓએ આતંક મચાવ્યો, ખાનગી કંપનીના ડઝનેક વાહન કર્યા નષ્ટ
- 50 અજાણ્યા શખ્સોએ 14 જેટલા વાહનોમાં આગ ચાંપી
- હુમલાખોરોને શોધવા સર્ચ ઑપરેશન હાથ ધરાયું
- રોડ નિર્માણના કામમાં વિક્ષેપ પાડવાનો નક્સલીઓને પ્રયાસ
દંતેવાડા, 27 નવેમ્બર: છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓએ આતંક મચાવ્યો છે. નક્સલીઓએ એક ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીના 14 વાહનો નષ્ટ કર્યા હતા. નક્સલીઓએ રવિવારની મોડી રાત્રે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યાં નક્સલવાદીઓએ બાંધકામના કામમાં રોકાયેલા ઓછામાં ઓછા 14 વાહનો અને મશીનોને આગ ચાંપી દીધી હતી. જો કે, આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ ન હતી. મહત્ત્વનું છે કે, દંતેવાડાએ છત્તીસગઢનો નક્સલી ગઢ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ભાંસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંગાળી કેમ્પ નામની જગ્યા પર બની હતી.
#WATCH | Dantewada, Chhattisgarh: On the intervening night of 26-27 November, unidentified Naxalites set on fire a total of 14 vehicles including four pickups, a JCB, a crane, two water tankers and other vehicles engaged in road construction work. Police search continues in the… pic.twitter.com/tq1pSCETEi
— ANI (@ANI) November 27, 2023
નજરોનજર જોનારાઓનું કહેવું છે કે, લગભગ 40-50 અજાણ્યા શખ્સો આવ્યા હતા. દરેક વ્યક્તિએ સામાન્ય નાગરિકનો વેશ ધારણ કર્યો હતો. આમાંથી કેટલાક લોકો હથિયારોથી સજ્જ હતા. બધાએ સ્થળ પર પહોંચીને ત્યાં પાર્ક કરેલી ટ્રક, પોકલેન અને JCB મશીન સહિત 14 વાહનો અને મશીનોને સળગાવી દીધા હતા. તેમણે જણાવ્યું કે એક ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીના વાહનો અને મશીનો દંતેવાડા અને બચેલી વિસ્તાર વચ્ચે માર્ગ નિર્માણના કાર્યમાં રોકાયેલા હતા.
પોલીસે સર્ચ ઑપરેશન હાથ ધર્યું
હિંસાની માહિતી મળતા જ ભાંસી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અધિકારીના કહેવા પ્રમાણે, હુમલાખોરોને શોધવા માટે વિસ્તારમાં સર્ચ ઑપરેશન હાથ ધરાયું છે. નક્સલવાદીઓ અવારનવાર બસ્તર ડિવિઝનમાં રોડ નિર્માણના કામમાં વિક્ષેપ પાડવા માટે વાહનોને સળગાવવા જેવી ઘટનાને અંજામ આપે છે. આના કારણે ભયનો માહોલ પેદા થાય છે. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: એન્કાઉન્ટર બાદ ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લાના 2 શૂટર્સની ધરપકડ