અમદાવાદઃ (Gujarat)ગુજરાતમાં આજે વહેલી સવારથી જ ભર શિયાળે માવઠાની શરૂઆત થઈ હતી. (Unseasonal rain)હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં અનેક ઠેકાણે વરસાદ વરસ્યો છે. ભારે પવન અને કરા સાથે થયેલા વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. બીજી તરફ રસ્તા પર અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હોવાથી વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. (Crop damage)તે ઉપરાંત મહેસાણા,બરવાળા અને જાફરાબાદમાં વીજળી પડવાને કારણે ચાર લોકોના મૃત્યુ થયાં હોવાની વિગતો મળી રહી છે. તે ઉપરાંત મહેસાણામાં ત્રણ પશુના મોત થયા હોવાની પણ વિગતો મળી રહી છે.
છેલ્લા 6 કલાકમાં 156 તાલુકામાં વરસાદ થયો
રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 156 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થતાં ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તલાળામાં દોઢ ઈંચ જ્યારે વંથલી અને અંકલેશ્વરમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. રાજ્યના પાંચ તાલુકાઓમા દોઢ ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 10 તાલુકાઓ એવા છે જેમાં એક ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
વીજળી પડવાથી ત્રણ લોકોના મૃત્યુ
આજે વહેલી સવારથી થયેલા વરસાદને કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. વીજળી પડવાથી રાજ્યમાં ત્રણ લોકોના મોત થયા હોવાની વિગતો પણ મળી રહી છે. જેમાં જાફરાબાદમાં 16 વર્ષિય કિશોરી, બરવાળામાં 22 વર્ષિય યુવાન અને મહેસાણાના કડીમાં વીજળી પડતાં એક યુવકનું મૃત્યુ થયું છે. તે ઉપરાંત મહેસાણામાં ત્રણ પશુઓના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. તે ઉપરાંત બનાસકાંઠાના વાવના મોરીખા ગામે વીજળી પડતા 10 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે.
સોમનાથમાં કાર્તિક પૂર્ણિમાના મેળામાં ભારે નુકસાન
ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદના તારાજી સર્જાઈ હતી. ખાસ કરીને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. અચાનક ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા વરસાદે જોત જોતામાં સેંકડો સ્ટોલને જમીનદોસ્ત કરી દીધા હતા. વરસાદથી બચવા માટે અમુક પાથરણાવાળા એક સ્ટોલમાં આશરો લેવા ગયા હતા. જે સ્ટોલ જ ધરાશાયી થતાં સ્ટોલના કાટમાળ નીચે એક વૃદ્ધા સહિત ચારથી વધુ લોકો દબાયા હતા. જેઓને મહા મુસીબતે બહાર કાઢવામાં આવ્યાં હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધા સહિત બેને સારવાર માટે 108 મારફતે ખસેડવામાં આવ્યાં હતા.
આ પણ વાંચોઃ રાજકોટ: વરસાદ સાથે પડ્યા કરા, હાઈવે પર જોવા મળ્યા મનાલી જેવાં દૃશ્યો