ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંજાબમાં પાકિસ્તાની ડ્રોનને આંતરવામાં આવ્યું, પિસ્તોલ અને 5 કિલો હેરોઈન જપ્ત

  • BSF પંજાબ ફ્રન્ટિયર અને ભારતની પ્રથમ લાઇન ઓફ ડિફેન્સે પાકિસ્તાની ડ્રોનને આંતર્યું
  • પાકિસ્તાની દાણચોરો દ્વારા માદક દ્રવ્યો અને શસ્ત્રો મોકલવાના પ્રયાસને BSF દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યો

અમૃતસર, 26 નવેમ્બર: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પંજાબ ફ્રન્ટિયર અને ભારતની પ્રથમ લાઇન ઓફ ડિફેન્સ દ્વારા અમૃતસર જિલ્લાના ચક અલ્લાહ બક્ષ ગામ ખાતે પાકિસ્તાની ડ્રોનને આંતરવામાં આવ્યું હતું અને તેમાંથી એક પિસ્તોલ અને 5.240 કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું. BSFના જવાનોએ પંજાબના અમૃતસર જિલ્લા નજીક પાકિસ્તાની ડ્રોન દ્વારા એરડ્રોપ કરાયેલી ઈટાલી બનાવટની પિસ્તોલ અને 20 કારતુસ સાથે પાંચ કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ વહેલી સવારે ડ્રોનને આંતર્યું હતું અને અમૃતસરના ચક અલ્લાહ બક્ષ ગામ પાસે પડવાનો અવાજ પણ સાંભળ્યો હતો.

રવિવારે વહેલી સવારે એક પાકિસ્તાની ડ્રોને ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું, જેને BSF સૈનિકોએ ગોળીબાર કરીને આંતર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન BSF પંજાબ ફ્રન્ટિયરના સૈનિકોએ એક પિસ્તોલ, 2 મેગેઝિન, 20 જીવતા કારતૂસ અને 5.240 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. પંજાબ BSFએ એક્સ પર પોસ્ટ કરી હતી કે, અમૃતસર જિલ્લાના ચક અલ્લાહ બક્ષ ગામમાં પાકિસ્તાની દાણચોરો દ્વારા માદક દ્રવ્યો અને શસ્ત્રો મોકલવાના પ્રયાસને BSF દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યો છે.

BSFના ડેટા અનુસાર છેલ્લા 10 મહિનામાં ભારતીય સરહદમાં ઘૂસેલા 69 જેટલા પાકિસ્તાની ડ્રોન ઝડપીને દાણચોરોના માદક દ્રવ્યોની દાણચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. 3,323 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન સરહદ પર તૈનાત BSFના જવાનોએ આમાંથી કેટલાક ડ્રોનને તોડી પાડ્યા હતા. માહિતી અનુસાર પંજાબ, રાજસ્થાન અને જમ્મુ સરહદોમાંથી પસાર થતી ભારતની પશ્ચિમી સરહદ પર આ વર્ષે 1 જાન્યુઆરીથી 31 ઓક્ટોબરની વચ્ચે BSF દ્વારા આવા કુલ 69 ડ્રોન જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી 60 ડ્રોન પંજાબ અને 9 ડ્રોન રાજસ્થાન સરહદેથી જપ્ત કરવામાં આવ્યા હતા.

 BSFના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના દાણચોરો 500 ગ્રામથી લઈને 1 કિલોગ્રામ સુધીના પ્રતિબંધિત માદક પદાર્થો જેમાં મોટાભાગે હેરોઈનનો જથ્થો વહન કરતા આ ડ્રોનને રાત્રે ઉડાન ભરીને સરળતાથી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં મોકલે છે.

આ પણ વાંચો, રાજકોટ: વરસાદ સાથે પડ્યા કરા, હાઈવે પર જોવા મળ્યા મનાલી જેવાં દૃશ્યો

Back to top button