દેવ દિવાળીના પાવન દિવસે મોઢેરાથી બહુચરાજી સુધી ભક્તિ શક્તિ પદયાત્રાનું આયોજન
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પદયાત્રાની કરવામાં આવશે શરૂઆત
- રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપુત, જગદીશ વિશ્વકર્મા રહેશે ઉપસ્થિત
બહુચરાજી, 26 નવેમ્બર : મહેસાણામાં સોમવારે દેવ દિવાળીના પાવન દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા મોઢેરાથી બહુચરાજી નવા પદયાત્રા માર્ગ ઉપર ભક્તિ શક્તિ પદયાત્રાની શરૂઆત કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપુત, જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા મોઢેરાથી બહુચરાજી સુધીના નવા વોકવેની ૨૭ નવેમ્બરે સવારે 9:30 કલાકે મોઢેરાના મોઢેશ્વરી મંદિર ખાતેથી શરૂઆત કરવામાં આવશે
બંને યાત્રાધામ ખાતે બહોળી સંખ્યામાં ભાવીક ભક્તો ઉમટી પડે છે
ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભક્તિ શક્તિ પદયાત્રાનું ફરી એકવાર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બંને યાત્રાધામો જેવા કે બહુચરાજીના બહુચરાજી માતાજી મંદિર અને મોઢેરાના મોઢેશ્વરી માતાજી મંદિર ખાતે બહોળી સંખ્યામાં ભાવીક ભક્તો ઉમટી પડે છે અને વાર તહેવારે લાખોની સંખ્યામાં પણ શ્રદ્ધાળુઓ પદયાત્રા કરતા હોય છે. બંને મંદિરો વચ્ચેના યાત્રામાર્ગનું અંતર લગભગ ૧૫ કી.મી. જેટલું છે.
કારતક સુદ પુનમના દિવસે મોઢેશ્વર માતાજી મંદિરથી લઈ શક્તિપીઠ તીર્થ બહુચરાજી માતાજી મંદિર સુધીના અંદાજીત ૧૫ કી.મી.ના યાત્રામાર્ગ પર ભાવિક ભક્તો દ્વારા વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રાનો હેતુએ શક્તિપીઠ તીર્થ બહુચરાજી અને મોઢેરાના માતંગી તીર્થ એવા મોઢેશ્વરી માતાજી મંદિર, આ બન્ને ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો વચ્ચે ભક્તિનો સેતુ રચવાનો અને તેના મારફતે જન જનના મનમાં શક્તિ અને ભક્તિનો સંચાર કરવાનો છે.
૨૭ નવેમ્બર અને દેવદિવાળીના પવિત્ર પર્વે પદયાત્રાનો પ્રારંભ
આ શુભ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત તથા અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આ પદયાત્રાનો શુભારંભ તારીખ 27 નવેમ્બર 2023 દેવ દિવાળીના દિવસે સવારે 9:30 કલાકે મોઢેરાના મોઢેશ્વરી મંદિર ખાતેથી થશે. આ પદયાત્રા સુખદ અને સલામત બની રહે એ હેતુથી રાજ્યના મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા તા.૨૩/૧૧/૨૦૨૩ના રોજ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સ્થળ મુલાકાત લઈને ટૂંકા ગાળાના આયોજનના ભાગરૂપે રસ્તાની આજુબાજુમાં સાફ સફાઈ, સુવિધા અને સુરક્ષાની વ્યવસ્થા સમીક્ષા કરવામાં આવી હતી.
બોર્ડના સચિવે ભવિષ્યમાં પ્રત્યેક પૂનમે આ પદયાત્રા યોજાય તેવી પ્રાર્થના કરી
ભવિષ્યના લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે પગદંડી બનાવવા માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં માટીકામ, બન્ને બાજુ વૃક્ષારોપણ, સાઈનબોર્ડ જેવી કામગીરીનો પણ સમાવેશ થાય છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે જનતા જનાર્દનને સંસ્કૃતિ, શ્રદ્ધા અને શક્તિ-ભક્તિના ઉત્સવ સમાન આ પદયાત્રામાં જોડાવા આહવાન કર્યુ છે અને ભવિષ્યમાં આ પદયાત્રા પ્રત્યેક પૂનમે યોજાય તેવી એક પરંપરા બને તેમ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.
આ પણ જુઓ :ગુજરાત સરકાર અયોધ્યામાં રામમંદિરની નજીકમાં વિશાળ યાત્રી ભવન બનાવશેઃ મુખ્યમંત્રીની જાહેરાત