બ્રિટનના શાહી પરિવારમાં રંગભેદી લોકો, મેગન માર્કલે કર્યો ખુલાસો
મેગન માર્કલ અને પ્રિન્સ હેરીએ શાહી પરિવારના બે સભ્યો પર તેમના પુત્ર આર્ચી વિશે રંગભેદી ટિપ્પણી કરવાનો આરોપ મૂક્યો છે. મેગન માર્કલે ઓપ્રાહ વિન્ફ્રે સાથેની મુલાકાત દરમિયાન શાહી પરિવારમાં તેના અનુભવો વિશે ખુલાસો કર્યો. આ સમય દરમિયાન, મેગન માર્કેલે દાવો કર્યો હતો કે શાહી પરિવારમાં બે લોકો હતા જેમણે તેના પ્રથમ બાળક આર્ચીની ચામડીના રંગ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે દંપતીને ભારે દુઃખ થયું હતું.
દંપતીએ આક્ષેપ કર્યો હતો કે રાજવી પરિવારના એક સભ્યએ પ્રિન્સ આર્ચીનો જન્મ થયો ત્યારે તેની ત્વચા કેટલી કાળી હશે તે અંગે “ચિંતા” વ્યક્ત કરી હતી. જો કે, દંપતીએ શાહી પરિવારના સભ્યનું નામ જાહેર કર્યું નથી. અહેવાલ મુજબ, શાહી પરિવારના તે સભ્યોના નામનો ઉલ્લેખ મેગને 2021માં રાજા ચાર્લ્સને લખેલા પત્રમાં કર્યો હતો.
પુસ્તકના લેખકે તેનું નામ જાણતો હોવાનો દાવો કર્યો
રીસન્ટલી પ્રકાશિત થનાર ઓમિડ સ્કોબીના નવા પુસ્તક એન્ડગેમમાં શાહી પરિવારના બંને સભ્યોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્કોબી કહે છે કે, તે બન્ને લોકોના નામ જાણે છે, પરંતુ યુનાઇટેડ કિંગડમના કાયદા તેમને તે કહેવાની મંજૂરી આપતા નથી. વિન્ફ્રેના ઇન્ટરવ્યુ પછી, શાહી પરિવારે જણાવ્યું હતું કે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ, ખાસ કરીને જાતિના મુદ્દાઓ ચિંતાજનક છે. વધુમાં, પ્રિન્સ વિલિયમે કહ્યું કે અમે જાતિવાદી પરિવાર નથી.
કપલે એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો
સસેક્સના ડ્યુક અને ડચેસે ઓપ્રાહ વિન્ફ્રેને એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શા માટે તેઓએ શાહી પરિવાર છોડી દીધો હતો. આ સાથે તેણે જાતિવાદી ટિપ્પણી અંગે ખુલાસો કર્યો હતો, જેના પછી લોકોમાં જાણવા માટે ઉત્સુકતા છે કે શાહી પરિવારના બે લોકો કોણ છે જેમણે આવી ટિપ્પણી કરી છે.