ગુજરાત ATS અને DRI નો સપાટો, ફરી ઝડપાયું અધધધ 2500 કરોડનું ડ્રગ્સ
વિશ્વભરનાં તમામ દેશોને હાલમાં જે વિષય સૌથી વધુ રંજાડી રહ્યો છે તે છે આતંકવાદ. આતંકવાદને મજબૂત કરવામાં સૌથી વધુ જો કોઇનો હાથ હોય તો તે છે ડ્રગ્સ માફિયાઓનો. વિશ્વભરમાં વધી રહેલું ડ્રગ્સ માફિયાઓનું સામ્રાજ્ય અને ડ્રગ્સ દ્રારા કમાયેલા કાળા નાણાંનો વિશ્વમાં અશાંતિ ફેલાવવા માટે આતંકવાદમાં થતો ઉપયોગ સાપ્રંત સમયની વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદ અને ભારતને વર્ષોથી સીધો જ નાતો રહ્યો છે અને ભારત ભૂતકાળમાં પણ અનેક વખત વિશ્વને હચમચાવી દે તેવા આતંકી હુમલાનો શિકાર એક કરતા વધુ વખત બની ચૂક્યું છે. ચોક્કસ પડોશી દેશો, PoK અને કાશ્મીર આતંકનાં એપી સેન્ટર સમાન છે.
વિશ્વનાં અનેક દેશોને ભારતમાં વેપાર કરવો તે અનિવાર્યતા છે, કારણ કે ભારત પાસે વિશ્વનું સૌથી મોટું અને યુવા કન્ઝ્યુમર માર્કેટ છે. ભારતની આ તાકાત ડ્રગ્સ માર્કેટ મામલે પણ એટલી જ લાગુ પડે છે અને માટે જ અબજો-કરોડોનું ડ્રગ્સ છાશવારે ભારતમાંથી પકડાવવા છતા પણ ડ્રગ્સ માફિયા બાજ આવતા નથી અને ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે એનકેન પ્રકારે પ્રયત્નશીલ રહે છે. ડ્રગ્સ માફિયાઓ દ્વારા ફરી એક વખત પોત પ્રકાશવામાં આવ્યું છે અને ડ્રગ્સ માફિયાઓના મલીન ઇરદા પર ગુજરાત AST અને DRI દ્વારા ફરી એક વખત ઠંડુ પાણી ફેરવી દેવામાં આવ્યુ છે.
જી હા, ATS અને DRIનાં સંયુક્ત ઓપરેશનમાં ફરી એક વખત કચ્છના કંડલા પોર્ટ પરથી અધધધ 2 હજાર 500 કરોડનું ડ્રગ્સ કે જે અફઘાનિસ્તાનથી આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે તે ઝડપી લેવામાં આવ્યું છે. હાલ અને પૂર્વે જે રીતે ગુજરાતનાં સાગરકાંઠેથી ડ્રગ્સનાં જથ્થા ઝડપાયા છે તે જોતા તો એવું પ્રતિત થઇ રહ્યું છે કે ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયાકાંઠો જાણે હોટ ફેવરિટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કંડલા પોર્ટથી 15 કિ.મી દૂર 250 કિલો જેટલું હેરોઈન ઝડપાયું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2500 કરોડ રુપિયા જેટલી થાય છે. ગુજરાત ATS અને DRIની સંયુક્ત ટીમોએ ડ્રગ્સને ઝડપી પાડ્યું છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, આ હેરોઈન અફઘાનિસ્તાનમાંથી આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ વખતે ઝડપાયેલું હેરોઇન પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતું.આ ડ્રગ્સ એકદમ પ્યોર ફોર્મમાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ATSને આ ડ્રગ્સ અંગેની માહિતી મળી હતી જે બાદ તેની પર DRIએ કાર્યવાહી કરી હતી. જેમાં એક કન્ટેનરમાં 250 કિલો ડ્રગ્સ હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જોઇએ તો 2500 કરોડની આસપાસ થાય છે.
ડ્રગ્સ ઝડપાવા મુદ્દે કંડલા પોર્ટ પ્રશાસને કરી સ્પષ્ટતા કચ્છમાં કંડલા પોર્ટ પર ડ્રગ્સ ઝડપાવાનો મામલો કંડલા પોર્ટ પ્રશાસને સ્પષ્ટતા કરી હતી કે, કંડલા પોર્ટ પર આ પ્રકારની કોઈ કર્યાવાહી કે ડ્રગ્સ ઝડપાયું નથી. પરંતુ કંડલા પોર્ટથી 15 કિમી દૂર ખાનગી CFSમાં તપાસ ચાલી રહી છે. જો કે પહેલા એવું જણાવાઈ રહ્યું હતું કે, આ ડ્રગ્સ કંડલા પોર્ટ પરથી ઝડપાયું હતું કન્ટેનરમાં ડ્રગ્સનો જથ્થો મોકલાયો હતો એજન્સીઓને શક છે કે, આવું એક જ કન્ટેનર નહીં, પરંતુ વધુ કન્ટેનર પણ હોય શકે છે. જેમાં આ કન્ટેનરની પણ તપાસ થઇ રહી છે.મહત્વનું છે કે, રો ડ્રગ્સ પાકિસ્તાનમાં તૈયાર થતું હોય છે પરંતુ તેને અફઘાનિસ્તાન અને ઇરાનના મારફતે ભારત લાવવામાં આવતુ હોય છે. જે બાદ તેને બીજા દેશમાં મોકલવામાં આવતુ હોય છે. આ પહેલા પણ ઝડપાયેલા ડ્રગ્સના મોટા જથ્થાને પણ આ રીતે જ લાવાવમાં આવ્યુ હતુ. તેની ખપત ભારતમાં થવાની ન હતી. તેને અન્ય દેશોમાં મોકલવાનું હતું. હાલ આ ડ્રગ્સ ક્યાં અને કોણે મોકલ્યું હતુ તે અંગેની તપાસ ચાલી રહી છે.