ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાન ચૂંટણી: કડકડતી ઠંડીમાં 90 વર્ષીય વૃદ્ધા પોલિંગ બૂથ પહોંચ્યા, 11 વાગ્યા સુધી 24.75% મતદાન થયું

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન થવાનું શરૂ થઈ ચૂક્યું છે. વહેલી સવાર જ પોલિંગ બૂથ પર મતદારોની લાંબી લાઈનો લાગી છે. ચૂંટણીને લઈને વૃદ્ધ મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેકડી વિધાનસભા વિસ્તારમાં કડકડતી ઠંડીમાં 90 વર્ષીય વૃદ્ધ મહિલા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય લાડપુરા વિધાનસભા મત વિસ્તારમાં 80 વર્ષીય મહિલાએ મતદાન કેન્દ્ર પર જઈને મત નાખ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના ગૃહ જિલ્લા જોધપુરના સરદાપુરામાં મતદાન કર્યું છે. વોટ આપ્યા બાદ ગેહલોતે રાજસ્થાનમાં ફરીવાર કોંગ્રેસ આવશે તેવો દાવો કર્યો છે.

11 વાગ્યા સુધી 24.75% મતદાન થયું

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 11 વાગ્યા સુધી 24.75% મતદાન થયું છે. સૌથી વધુ ધોલપુર, હનુમાનગઢ, ભીલવાડા,બાંસવાડા, અલવર, કોટા વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ મતદાન થયું છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે મતદાન કર્યું

મુખ્યમંત્રી અશોક ગેહલોતે સરદારપુરામાં મતદાન કર્યું હતું. વોટ આપતાં પહેલા ગેહલોત પરિવાર સાથે તેમના જૂના ઘરે પહોંચ્યા હતા. વોટિંગ બાદ ગેહલોતે કહ્યું, ‘આ ચૂંટણી મોદીજી વિશે નથી. કોંગ્રેસ રાજસ્થાનમાં સરકારનું પુનરાવર્તન કરશે… આજ પછી તેઓ (ભાજપ) દેખાશે નહીં. અને અમે સત્તામાં પાછા ફરીશું. આ ઉપરાંત, કોંગ્રેસ નેતા અને અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત સરદારપુરામાં મતદાન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે કોંગ્રેસને રાજ્યમાં બહુમતીથી પરત ફરશે. ભાજપમાં ગભરાટનો માહોલ છે કારણ કે તેઓ જાણે છે કે તેઓ રાજ્યમાં હારી જશે.

સચિન પાયલટે સરકાર બનાવવાનો વિશ્વાસ જતાવ્યો

કોંગ્રેસના ઉમેદવાર સચિન પાયલટે શનિવારે કહ્યું, રાજ્યમાં જોરદાર મતદાન ચાલી રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે. લોકો બેરોજગારી અને મોંઘવારી જોઈ રહ્યા છે. લોકો પરિવર્તન ઈચ્છે છે. અને અમને વિશ્વાસ છે કે, કોંગ્રેસ ફરીવાર સરકાર બનાવશે.

ચૂરુ મતદાન બૂથ પર ઝપાઝપી

આજે મતદાન શરૂ થયા બાદ ચુરુમાં એક મતદાન મથક પર અથડામણ થઈ હતી. એક પોલિંગ એજન્ટે આરોપ લગાવ્યો કે ત્યાં 4-5 લોકોએ તેના પર હુમલો કર્યો અને તેને સામાન્ય ઈજા થઈ.

મતદાન કરવા કતારમાં ઉભેલા વૃદ્ધનું મોત

ઝાલાવાડના ખાનપુર સીટના મૌલકીયા ગામના મતદાન મથકની બહાર કતારમાં ઉભેલા 70 વર્ષીય વૃદ્ધ મતદાર મૃત્યુ થયું હતું. કન્હૈયાલાલ નામના વૃદ્ધ વ્યક્તિ મત આપવા માટે લાઈન ઊભા હતા. અચાનક જ તેમની તબિયત લથડતા તેમનું મતદાનસ્થળે મૃત્યુ થયું હતું. જો કે, ક્યાં કારણસર તેમની તબિયત બગડવા લાગી તે જાણી શકાયું નથી.

ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે

રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 200માંથી 199 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. બંને પક્ષો સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. નોંધનીય છે કે, ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. શ્રીગંગાનગરની કરણપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના નિધનને કારણે આ વિસ્તારની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. રાજસ્થાનમાં કુલ 1862 ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા 5 કરોડ 25 લાખ છે. જેમાં 18-30 વર્ષની વયજૂથના 1.70 કરોડ મતદારો સામેલ છે, જેમાંથી 22,61,008 નવા મતદારો 18-19 વર્ષની વયજૂથના છે.

આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી 2023 : રાજસ્થાનમાં 199 વિધાનસભા બેઠકો પર મતદાન થયું શરૂ

Back to top button