ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના CMને રાહત, આરોપીએ નિવેદન પાછું ખેંચ્યું

  • મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અસીમ દાસે કોર્ટમાં પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું.
  • દાસે કહ્યું કે તેમણે ક્યારેય કોઈ નેતાને પૈસા પહોંચાડ્યા નથી, તેમને ફસાવવામાં આવી રહ્યા છે.
  • આનાથી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને મોટી રાહત મળવાની આશા છે.

છત્તીસગઢ, 25 નવેમ્બર:  રાયપુરમાં મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અસીમ દાસે સ્પેશિયલ કોર્ટને કહ્યું કે, તેણે ક્યારેય કોઈ નેતાને પૈસા પહોંચાડ્યા નથી અને તેને ફસાવવામાં આવી રહ્યો છે. આ કારણે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને મોટી રાહત મળવાની આશા છે. EDએ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના ચાર દિવસ પહેલા 3 નવેમ્બરે રોકડ પહોંચાડવાના આરોપમાં અસીમ દાસ અને પોલીસ કોન્સ્ટેબલ ભીમ સિંહ યાદવની ધરપકડ કરી હતી.

દાસના વકીલ શોએબ અલ્વીએ જણાવ્યું હતું કે, અસીમ દાસ અને ભીમ સિંહ યાદવને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કેસ માટે વિશેષ ન્યાયાધીશ અજય સિંહ રાજપૂતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી સાત દિવસ માટે વધારી દીધી છે. શોએબ અલ્વીએ કહ્યું કે, દાસે જેલમાંથી ED ડાયરેક્ટરને એક પત્ર લખ્યો હતો અને તેની નકલો 17 નવેમ્બરે વડાપ્રધાન કાર્યાલય અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ મોકલવામાં આવી હતી. અસીમ દાસે પત્રમાં જણાવ્યું છે કે, તેને મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે અને કેન્દ્રીય તપાસ એજન્સીએ તેને અંગ્રેજીમાં લખેલા નિવેદન પર સહી કરવાની ફરજ પાડી છે, જે ભાષા તે સમજી શકતો નથી. તેણે કોર્ટને વિનંતી કરી છે કે આ કેસમાં આ પત્ર રેકોર્ડ પર સ્વીકારવામાં આવે.

અસીમ દાસે પત્રમાં જણાવ્યું છે કે, તે તેના બાળપણના મિત્ર શુભમ સોનીના આમંત્રણ બાદ આ વર્ષે ઓક્ટોબરમાં બે વાર દુબઈ ગયો હતો. પ્રવાસની વ્યવસ્થા શુભમ સોની દ્વારા કરવામાં આવી હતી. શુભમ છત્તીસગઢમાં કન્સ્ટ્રક્શન બિઝનેસ શરૂ કરવા માંગે છે અને તેણે દાસને તેના માટે કામ કરવાનું કહ્યું હતું. ED અનુસાર સોની મહાદેવ નેટવર્કના મુખ્ય આરોપીઓમાંનો એક છે.

શોએબ અલ્વીએ જણાવ્યું કે, જે દિવસે અસીમ દાસની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેને રાયપુર એરપોર્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી કાર લઈને રાયપુરના વીઆઈપી રોડ પર સ્થિત એક હોટેલમાં જવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં તેને રસ્તા પર કાર પાર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું, જ્યાં એક વ્યક્તિએ કારમાં રોકડ ભરેલી બેગ મૂકી હતી અને તે જતો રહ્યો હતો.

અસીમ દાસે પોતાના પત્રમાં કહ્યું છે કે, અજાણ્યા વ્યક્તિએ કારમાં બેગ મૂકી ત્યારબાદ મને ફોન પર મારા હોટલના રૂમમાં પાછા જવા માટે કહેવામાં આવ્યું અને થોડીવારમાં EDના અધિકારીઓ મારા રૂમમાં આવ્યા અને મને તેમની સાથે લઈ ગયા. બાદમાં મને ખ્યાલ આવ્યો કે મને ફસાવવામાં આવી રહ્યો છે. મેં ક્યારેય કોઈ નેતા કે કાર્યકર્તાને પૈસા કે અન્ય કોઈ મદદ કરી નથી. EDએ 3 નવેમ્બરના રોજ દાવો કર્યો હતો કે, ફોરેન્સિક વિશ્લેષણ અને રોકડ પહોંચાડનાર આરોપી અસીમ દાસ ​​દ્વારા આપવામાં આવેલ નિવેદન બાદ ચોંકાવનારી માહિતી મળી છે કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને અત્યાર સુધીમાં લગભગ 508 કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને આ તપાસનો વિષય છે. છત્તીસગઢના મુખ્યમંત્રીએ આરોપોને નકારી કાઢ્યા હતા અને વિધાનસભા ચૂંટણીમાં હારના ડરથી ભાજપ પર EDનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો, થાણેમાં ભંગારની દુકાનમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ, બેનાં મૃત્યુ

Back to top button