હાઈકોર્ટે 16 વર્ષની સગીરાના 27 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી
અમદાવાદ, 25 નવેમ્બર: ગુજરાત હાઈકોર્ટે 16 વર્ષ અને 6 મહિનાની બળાત્કાર પીડિતાના ગર્ભપાતને મંજૂરી આપી છે. 27 સપ્તાહથી વધુ સમયથી અનાથ પીડિતાના ગર્ભમાં રહેલા બાળકનું વજન અંદાજે 1.1 કિલો છે. પીડિતાએ હાઈકોર્ટ સમક્ષ ગર્ભપાતની ઈચ્છા વ્યક્ત કરી હતી. 27 સપ્તાહથી વધુ સમયથી ગર્ભમાં રહેલા બાળકના ગર્ભપાત માટે હાઈકોર્ટ પાસે મંજૂરી માંગવામાં આવી હતી. પીડિતા અનાથ છે અને તેની સાથે રેપ જેવો જઘન્ય ગુનો બન્યો છે. અનાથ પીડિતા 2015 થી 2022 સુધી અમદાવાદના એક અનાથાશ્રમમાં રહેતી હતી. તેણે ત્રીજાથી આઠમા ધોરણ સુધીનો અભ્યાસ અનાથાશ્રમમાં કર્યો હતો.
હાઇકોર્ટમાંથી મંજૂરી માંગવામાં આવી હતી
ભાવનગર જિલ્લાના પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનનમાં આ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે. પીડિતા તરફથી એડવોકેટ રાહિલ પી. જૈને હાઇકોર્ટ સમક્ષ અરજી કરી ગર્ભપાતની મંજૂરી માગી હતી. તેમણે જણાવ્યું હતું કે પીડિતા અનાથાશ્રમમાં રહેતી હતી એ દરમિયાન તેની સાથે આવું કૃત્ય થયું હતું. જો કે શરૂઆતના તબક્કામાં કોઇને જાણ થઇ નહોતી. પરંતુ જ્યારે તે અમદાવાદ આવી હતી ત્યારે ગૃહમાતા દ્વારા તેના શારીરિક પરિવર્તનો અંગે પૃચ્છા કરવામાં આવતાં સમગ્ર ઘટના સામે આવી હતી.
આ પછી, અનાથાશ્રમની મહિલા કર્મચારીએ 27 અઠવાડિયાથી વધુ સમયથી ગર્ભમાં રહેલા બાળકના ગર્ભપાત માટે હાઈકોર્ટ પાસે મંજૂરી માંગી હતી. ગુજરાત હાઈકોર્ટે પીડિતા સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરીને તેની પુષ્ટિ કરી હતી.
POCSO એક્ટ હેઠળ ફરિયાદ દાખલ
ગુજરાત હાઈકોર્ટમાં ગર્ભપાત માટે અરજી કર્યા બાદ હાઈકોર્ટે પીડિતાનો મેડિકલ રિપોર્ટ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મંગાવ્યો હતો. હાલમાં પીડિતા હોસ્પિટલમાં દાખલ છે, જેનો મેડિકલ રિપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પીડિતા સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરીને ગર્ભપાતની તેની ઈચ્છાને સમર્થન આપ્યું હતું અને પીડિતાના નિર્ણયમાં કોઈ દખલ ન કરે તે માટે જરૂરી આદેશો પણ આપ્યા હતા. આ મામલે POCSO એક્ટ હેઠળ ફરિયાદ દાખલ છે.
ભ્રૂણના ડીએનએનું રક્ષણ કરવું પડશે, બાળકની જવાબદારી સરકારની રહેશે
સામાન્ય રીતે, MTP એક્ટ હેઠળ 24 અઠવાડિયા સુધીના ગર્ભપાતની મંજૂરી છે, પરંતુ આ કિસ્સામાં બળાત્કાર પીડિતાની વિનંતીને ધ્યાનમાં રાખીને, 27 અઠવાડિયાથી વધુ ગર્ભવતી બાળકના ગર્ભપાતને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ ભ્રૂણનો ડીએનએ રિપોર્ટ સુરક્ષિત રાખવાનો રહેશે. એક મનોવૈજ્ઞાનિક અને ત્રણ ગાયનેકોલોજિસ્ટ બાળકીનું ઓપરેશન કરશે. જો બાળક જીવતો જન્મશે તો તેને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. આ પછી બાળકને સરકારને સોંપવામાં આવશે, બાળકની તમામ જવાબદારી સરકારે નિભાવવાની રહેશે.
આ પણ વાંચો: ભારે વરસાદને કારણે ચેન્નાઈની તમામ શાળાઓ બંધ:જિલ્લા કલેક્ટરનો આદેશ